Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરેન્દ્રનગરના ચુડા સ્ટેટના રાજમાતા ભારતીદેવીનું અવસાન

વઢવાણઃરાજાશાહી યુગનાં  મહારાણી અને ચુડા સ્ટેટના રાજમાતા ભારતીદેવી ૮૬ વર્ષે દેવલોક પામ્યા છે. તારીખ ૧૫/૯/૨૦૧૯, રવિવારે સાંજે ૫.૩૦ કલાકે રાજકુમાર સુકેતુસિંહજી ઝાલા (નાનાબાપુ)નાં ગોખરવાળા ગામના તેમના ફાર્મ હાઉસ નિવાસસ્થાને માધાણી રાજ પરિવારનાં રાજમાતા ભારતીદેવીએ ફકત ૧૦ દિવસની ટુંકી બિમારીમાં નાનાબાપુનાં રાજકુમારી માયાદેવીનાં ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઇ. સ. ૧૯૩૩માં જન્મેલા ભારતીદેવી લાઠી ઠાકોર સાહેબશ્રી પ્રહલાદસિંહ ગોહિલનાં મોટા દિકરી અને કવિ કલાપીનાં પૌત્રી હતા. તેમનાં લગ્ન ચુડા ઠાકોર સાહેબ સ્વ. ધર્મેન્દ્રસિંહજી ઝાલા સાથે સને ૧૯૪૮માં થયા અને તેમની સાથે જાહેર જીવનમાં પણ ખુબ સક્રિય રહયા. અત્યંત મિલનસાર અને કોમળ સ્વભાવનાં એવા ભારતીદેવી ચૂડામાં મહિલા મંડળ જેવી જાહેર સંસ્થા સ્થાપવાની સાથે સ્ત્રી સંમેલનમાં હાજરી પણ આપતા. ઠાકોર સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહજીના દેવલોક પછી ધીમે ધીમે તેઓએ પણ જાહેર જીવનમાંથી નિવૃતિ લીધી પરંતુ ઠાકોર સાહેબની એક ઇચ્છા સ્મૃતિ ગ્રંથ બહાર પાડવાની હતી અને સ્વહસ્તે શરૂઆત પણ કરેલ, જે તેમનાં દેવલોક પામ્યેથી અધુરી રહેતાં તે સ્વપ્ન ભારતીદેવીએ પુર્ણ કરીને તા. ૧૫-૨-૨૦૧૩નાં વસંતપંચમીનાં શુભ દિવસે ચુડા ઠાકોર સાહેબશ્રી ધર્મેન્દ્રસિંહજી 'સ્મૃતિગ્રંથ' પ્રકાશિત કર્યો

જેની પ્રસ્તાવના સુરેન્દ્રનગરનાં લોકપ્રિય સાપ્તાહિક 'સમય'તંત્રી સ્વ. ભાનુભાઈ શુકલએ લખી હતી. ભારતીદેવીના જીવનનાં અંતિમ વર્ષોનો સમય દ્યણોખરો સૌથી નાના રાજકુમાર સુકેતુસિંહજી સાથે વિતાવ્યો. તેમનાં દેવલોક પામ્યાનાં સમાચારની જાણ થતાની સાથે જ સમગ્ર રાજવી પરિવાર દોડી ગયો અને વહેલી સવારે ૬ વાગે રાજમાતાને ચુડા રાજમહેલમાં અંતિમ દર્શનાર્થે લાવવામાં આવ્યા અને તા. ૧૬/૯/૨૦૧૯નાં સોમવારે સવારે ૧૦ વાગે રાજમહેલથી અંતિમ યાત્રા શરૂ થઈ હતી.

તેમનાં મોટા કુંવર અને હાલનાં ઠાકોર સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ઝાલા, યુવરાજ સાહેબશ્રી આદિત્યસિંહ, રાજકુમાર પુરણસિંહજી અને રાજકુમાર સુકેતુસિંહજી તથા અન્ય રાજવી પરિવારનાં સભ્યોએ કાંધ આપી રાજવી સન્માન સાથે અંતિમયાત્રાની શરૂઆત કરી ત્યારે હજારોની સંખ્યામાં માનવમેદની અશ્રુભીની આંખે રાજમાતાનાં દર્શનાર્થે ઊમટી પડી હતી. ચૂડાની મુખ્ય બજારમાંથી અંતિમ યાત્રા પસાર થઇ તે દરમિયાન વેપારી આલમે શોક પાળી પોતાનાં વેપારધંધા બંધ રાખી આદરભાવ વ્યકત કરી શ્રધ્ધાંજલિ આપી હતી.

(1:16 pm IST)