Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હાડમારી ભોગવતી પ્રજા, તંત્ર રહેમ દાખવેઃ શહેરમાં હેલ્મેટની મુકિત આપો

સૌરાષ્ટ્ર વિકાસ પરીષદ દ્વારા મુખ્યમંત્રીને આવેદન મોકલાયુ

રાજકોટ,તા.૧૮: ભારત સરકાર દરેક રાજયોમાં નવા ટ્રાફિક કાયદાને અમલમાં લાવેલ છે. જેના અનુસંધાને ગુજરાતમાં પણ આ કાયદાની અમલવારી શરૂ થઈ ચૂકેલ છે. ત્યારે પ્રજાકીય મુસીબતો અને વેદનાને વાચા આપવા માટે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ અને લાખાજીરાજ રોડ વેપારી મહામંડળ તથા જંકશન પ્લોટ ગાયકવાડી વિસ્તાર વેપારી મંડળ દ્વારા રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવી ટ્રાફિકનાં નવા કાયદાનો અમલ મોકૂફ રાખવા અનુરોધ કર્યો છે.

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં રાજકોટ શાખાનાં પ્રમુખ રાજેશભાઈ ગોંડલિયા, રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, લાખાજીરાજ રોડ મહામંડળનાં ચેરમેન મહેશભાઈ મહેતા અને જંકશન પ્લોટ વેપારી મંડળના પ્રમુખ જયકિશન અહુજાની સહીથી મોકલેલ આવેદનપત્રમાં જણાવેલ આવ્યું હતું કે પી.યુ.સી. મેળવવા માટે અને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાના નિયમને કારણે નાગરીકો ખુબ જ હાડમારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જે રીતે દંડની રકમમાં ઘટાડો કરી ગુજરાતની સંવેદનશીલ સરકાર પ્રજાની પડખે ઉભી રહેલ છે તે રીતે વાહન ચાલકોને દસ્તાવેજી આધારો ભેગો કરવાનો સમય મળી રહે ત્યાં સુધી ગુજરાતમાં આ કાયદાનો અમલ મોકુફ રાખવો જોઈએ તેમ જ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જયાં વાહનોની સ્પીડ ૨૫ થી ૩૦ કિલોમીટરથી વધુ ન હોય તેવા શહેરોમાં સરકારે વ્યહારૃં અભિગમ અપનાવીને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી વાહન ચાલકોને મુકિત અપાવી જોઈએ.

આ આવેદનપત્ર નિવાસી એડિશનલ કલેકટર પીનાકીનભાઈ પંડ્યા અને રાજકોટનાં નાયબ પોલીસ કમિશ્નર ડો.રવિમોહન સૈની સુપ્રત કરવામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં અગ્રણીઓ યશવંતભાઈ જનાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, પરેશ જનાણી, આર.વી.સોલંકી, દીલીપભાઈ કલોલા, વાસવિબેન સોલંકી, હંસાબેન કાપડીયા, ડો.કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ લખતરીયા, નીલેશભાઈ પરમાણી, આમવાણી બળવંતભાઈ વિગેરે જોડાયા હતો.

(11:48 am IST)