Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમરેલીના એનએફએસએના અનાજ કૌભાંડ મુદ્દે રાજયભરમાં તપાસ કરવા વિરજીભાઇ ઠુંમરની માંગણી

લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્યએ જયેશભાઇ રાદડિયાને પત્ર પાઠવ્યો

 સાવરકુંડલા તા.૧૮ : લાઠી બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજયના પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાને પત્ર પાઠવીને એનએફએસએ અમરેલી અનાજ કૌભાંડ મુદ્દે તપાસ કરવા માંગણી કરી છે.

વિરજીભાઇ ઠુંમરે પત્રમાં વધુમાં જણાવ્યુ હતુ કે, અમરેલી જિલ્લાના અમરેલી, રાજુલા, જાફરાબાદ, તાલુકાનામાં એનએફએસએ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત તેમજ અન્ય યોજના અન્વયે ગરીબ માણસોને રાશન આપવાની સરકારશ્રીની યોજનાનું અનાજ બારોબાર વહેચાય જાય છે તે અંગે સરકાર ગંભીર છે પરંતુ આ તપાસમાં માત્ર અમરેલી જિલ્લો નહી  સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં તપાસ કરાવવા માટે માંગણી કરી છે.

સસ્તા અનાજ દુકાનદારોને કમિશન ઓછુ મળવાને કારણે તેમજ ઓનલાઇન સોફટવેરમાં ઘટની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે ઘટતો પુરવઠો પણ પુર્ણ દર્શાવવાનો થતો હોય ત્યારે સ્વભાવિક છે કે દુકાનદારો ગેરરીતી કરવા પ્રેરાય છે. હવે પ્રશ્ન એ છે કે, આ બાબતમાં ખાતાના અધિકારી જાણતા નથી તેવું ન બની શકે તેવુ મારૂ માનવુ છે મારો સીધો જ સવાલ એ છે કે એનએફએસએ ભુતીયકાર્ડની અમરેલીમાં કુલ કેટલી સંખ્યા છે અને સારાય ગુજરાતમાં કેટલી સંખ્યા છે તેની તપાસ કરવી જરૂરી છે. તેમજ આ કાર્ડ કોના મારફત બની રહ્યા છે તેનો આધાર કોણે લીંક કરી આપેલ છે પ્રાઇવેટ એજન્સીને કામગીરી સોપી હોય તો તેની ઉપર તપાસ કરવા તેમજ પ્રાઇવેટ એજન્સી સાથે તેનો કમાન્ડ સંભાળવાની જવાબદારી કોની થાય છે તે અધિકારીની પણ ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

વિધાનસભામાં પ્રશ્ન ગંભીર રીતે ચર્ચામાં આવતા તા. ૨૩ જૂલાઇના પુરવઠા અધિકારી તેમજ પોલીસ દ્વારા સરવર પકડાયા છે. તેવા સમાચારો પ્રસિધ્ધ થયા હતા. કુલ કેટલા સરવર પકડાયા અને સરવર પૈકી કેટલા સોફટવેર ખોટી રીતે ગેરકાયદેસર બનાવ્યા હોય તેની વિગતો પણ આપવી સોફટવેર મારફત ખોટુ થઇ રહ્યુ છે.

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું છે કે, ગમે તે સસ્તા દુકાનદારની ધરપકડ કરી પોલીસ જેલહવાલે કરે છે કોર્ટ મારફત રીમાન્ડ માંગેલ છે અને અનેક સસ્તા અનાજના દુકાનદારોને રીમાન્ડ પણ મળેલી છે પ્રેસ મિડીયા મારફત મને જાણવા મળ્યા મુજબ (સત્ય હોય તો) દસ દસ દિવસ રીમાન્ડ ઉપર રાખ્યા પછી તેમની પાસેથી આઇઓ એ શું તપાસ કરી અને રીમાન્ડ વખતે શું ખુલ્યુ તેમના તરફથી રિમાન્ડમાં અપાયેલા જવાબ ઉપર અન્ય કેટલા કર્મચારી અધિકારી સામે પગલા લેવાયા તેની વિગતો આપવા માંગ કરી છે.

પુરવઠો પણ બારોબાર વહેચાય જતો હોય તો ઇન્ફોર્સમેન્ટ અધિકારી કર્મચારીની જાણ વગર આ બાબત ચાલી રહી છે તેવુ બને ખરૂ તેની પણ તપાસ કરવામાં આવે. પુરવઠા વિભાગ  પરમીટ આપતા અધિકારીએ એક મહિનાનો અનાજ બારોબાર વહેચાયા પછી બીજીવાર શા માટે પરમીટ આપી તેની પણ તપાસ કરવા તેમજ નાયબ મામલતદાર પુરવઠા, તાલુકા મામલતદાર પુરવઠા જિલ્લા પુરવઠા મામલતદાર ઇન્ફોર્સમેન્ટના જે કેડરના અધિકારી છે તે અને પરમીટ આપનાર અધિકારી કર્મચારીની શું તપાસ થઇ તેની પણ વિગતો સારાય ગુજરાતના જિલ્લામાંથી મેળવવામાં આવશે તો કેટલા કાંૈભાંડકારી છે તે બાબતોની ગુજરાતની પ્રજા જાણી શકશે.

આ બાબતમાં કડક રીતે તપાસ કરવામાં આવશે તો કૌભાંડકારીઓના મુળ સુધી પહોચીને ગરીબ માણસોને આપણે બચાવી શકશુ. જે તે વખતની સરકારની અનાજ એ મારો અધિકાર છે. યોજના તળે સરકારશ્રીના ઉદ્દેશો ખૂબ જ સારા હોવા છતા કૌભાંડકારીઓના કારણે લોકો સુધી અનાજ પહોચતુ નથી તે બાબતની તપાસ કરવા જયેશભાઇ રાદડીયાને પાઠવેલા પત્રના અંતમા઼ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે માંગણી કરી છે.

(11:48 am IST)