Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પોરબંદરમાં ગણેશ મુર્તિ વિસર્જન માટે ટોળાએ ચોપાટીનો બંધ દરવાજો તોડી નાખ્યો

દરિયામાં ગણેશ મુર્તિ વિસર્જન નહીં કરવાના જાહેરનામાને લોકોએ ગણકાર્યુ નહિ : વિસર્જન માટેના કુત્રીમ તળાવ પાસે કોઇ ફરકયું નહીં

પોરબંદર, તા., ૧૮: ગણેશજીની મુર્તિનું વિસર્જન દરિયામાં નહી કરવા તંત્રનું જાહેરનામું છતાં ગણેશોત્સવ ઉજવણી કરતા ભાવીકો મુર્તિ વિસર્જન માટે ચોપાટી દરિયા કાંઠે પહોંચી ગયા હતા અને તંત્ર દ્વારા તાળા મારી દીધેલ લોખંડનો દરવાજો ટોળાએ તોડી નાખ્યો હતો અને દરિયામાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કર્યુ હતું.દરિયામાં પ્રદુષણ ફેલાઇ નહી તે માટે નગર પાલીકાએ કુછડી ખારા રણમાં બનાવેલ કૃત્રીમ તળાવમાં વિસર્જન માટે કોઇ ભાવીકો ફરકયા નહોતા. દરિયામાં મુર્તિ વિસર્જન નહી કરવાના જાહેરનામાનો ફિયાસ્કો થયેલ હતો.ચોપાટી દરિયામાં વિસર્જન માટે પ્રથમ પશ્ચિમ તરફથી ગણેશ મુર્તિ વિસર્જન માટે  ભાવીકો આગળ આવેલ અને ત્યાર પછી અન્ય સ્થળે ગણેશ મુર્તિ સ્થાપન થયેલ મુર્તિઓનું વિસર્જન માટે લોકોના ટોળા ધસી આવ્યા હતા.

દરિયામાં વિસર્જનની મનાઇ ફરમાવતા જાહેરનામાના પગલે ચોપાટીના દરવાજાને તાળુ મારીને પોલીસ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ વિસર્જન માટે એકઠા થયેલ ટોળુ માન્યુ નહોતું અને દરવાજો તોડી દરિયામાં વિસર્જન કર્યુ હતું.

વિસર્જન યાત્રામાં શણગારેલા ર હાથી તથા ઉંટગાડી, ગીરમાંથી આવેલ સીદી બાદશાહની ટીમે નૃત્ય કરી આકર્ષણ જમાવ્યું હતું. વિસર્જન દરમિયાન ટોળામાં ચર્ચા થતી હતી કે ઉદ્યોગોનું કેમીકલ્સવાળુ પાણી દરિયામાં છોડવામાં આવે છે ત્યારે તેને અટકાવવા તંત્ર કેમ પગલા લેતુ નથી?

(1:29 pm IST)