Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ભાવનગરમાં કોંગ્રેસના ઘેરાવ કાર્યક્રમમાં પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ બાખડ્યા :પૂર્વ મેયરને આંખમાં ઈજા

બંને આગેવાનો વચ્ચે લાંબા સમયથી પક્ષમાં વર્ચસ્વને લઇને વિવાદ :કોંગ્રેસના નેતાએ બંને મહિલા આગેવાનને શાંત કરી મામલો થાળે પાડ્યો

ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા આગેવાન બાખડી પડી હતી. કોંગ્રેસના પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જો કે, કોંગ્રેસના નેતાએ બંને મહિલા આગેવાનને શાંત કરી મામલો થાળે પાડ્યો હતો.

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મામલે મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન કોંગ્રેસની બે મહિલા આગેવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના પૂર્વ મેયર પારુલ ત્રીવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ બંને મહિલા આગેવાનોએ એકબીજાના કાઠલા પકડી લીધા હતા. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આગેવાનો વચ્ચે લાંબા સમયથી પક્ષમાં વર્ચસ્વને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા મનપાના ઘેરાવ દરમિયાન આ બંને મહિલા આગેવાનો કોઈ કારણસર બાખડી પડ્યા હતા. જો કે, કોંગ્રેસના નેતા ભરતભાઈ બુધેલિયાએ બંને મહિલા આગેવાનને જુદા પાડ્યા અને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે ઝપાઝપી દરમિયાન પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખમાં ઈજા થઈ હતી. ઈજા થવાને કારણે પૂર્વ મેયરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પારૂલબેન ત્રિવેદી દ્વારા પોલીસ ફરિયાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(12:44 am IST)