Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીમાં અર્બન હેલ્થ સેન્ટરમાં જ ૧૯ માસના બાળ દર્દીને એક્સપાયર દેઇટની દવા ધાબડી દીધી.

જાગૃત પિતાએ દવાની તારીખ જોતા મામલો પ્રકાશમાં આવ્યો : જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય સમિતિ ચેરમેન ચોંકી ઉઠ્યા, તપાસનો ધમધમાટ.

મોરબી સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગમાં લોલમલોલ ચાલતી હોવાના અનેક નમૂના સામે આવ્યા છે ત્યારે અત્યંત ગંભીર કહી શકાય તેવી અક્ષમ્ય બેદરકારી સામે આવી છે.જેમાં વિશિપરા અર્બન હેલ્થ સેન્ટરમાં માસૂમ બાળકની દવા લેવા ગયેલ માતાપિતાને એક્સપાયરી ડેઈટની દવા ધાબડી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર બાબત સામે આવતા જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય સમિતિ ચેરમેન પણ ચોંકી ઉઠ્યા છે અને તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા અસલમભાઈ સુમરા પોતાના ૧૯ માસના પુત્ર અમીનુલને ઝાડા થઈ જતા વિશિપરામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા માટે ગયા હતા જ્યાં ફરજ પરના આરોગ્ય કર્મચારી દ્વારા બાળ દર્દીને જોઈ તપાસી દવા આપવામાં આવી હતી.
જો કે, દવા લઈ પરત ઘરે આવેલા અસલમભાઈ સુમરા અને તેમના પત્ની પોતાના વ્હાલસોયા બાળકને જલ્દી સારું થઈ જાય તે માટે દવા પીવડાવવા તૈયારી કરી હતી પરંતુ અચાનક અસલમભાઈની નજર દવા ઉપર લખેલી ડેઈટ ઉપર જતા તેઓ ચોકી ઉઠ્યા હતા કારણ કે, દવાની મેન્યુફેક્ચરિંગ ડેઈટ માર્ચ ૨૦૧૯ હતી અને એક્સપાયરી ડેઈટ ફેબ્રુઆરી ૨૦૨૧ લખેલી હતી.જેથી ૬ માસથી આ દવા એક્સપાયરી થઈ હોવા છતાં પણ આરોગ્ય વિભાગના બેજવાબદાર સ્ટાફે બાળકને આ દવા આપી દેતા બાળકના આરોગ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો.
આ અંગે અસલમભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, આતો મારુ ધ્યાન ગયું જો દવાની તારીખ ન વાંચી હોત અને બાળકને આ દવા પીવડાવી દેવામાં આવી હોત તો શું પરિસ્થિતિ ઉદ્દભવેત ? શુ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ આ ગંભીર બાબત પ્રત્યે દરકાર નહિ લેતા હોય ? અભણ અને અણસમજુ લોકો આવી જ બેદરકારીને કારણે હેરાન થઈ રહ્યા હોવાનું ઉમેરી આવા કર્મચારીઓને ડિગ્રી અને નોકરી કેમ મળે તે સિસ્ટમ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
આ ગંભીર બાબત અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછતાં હજુ સુધી આવી ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું હતું અને ઘટના અંગે ફોટા સહિતની ફરિયાદ મોકલવામાં આવતા તપાસ કરવાની ખાતરી આપી હતી.  ત્યારે ગઇકાલની આ ઘટના મામલે બેદરકારી દાખવાનાર સામે તપાસ કરવામાં આવશે ? તે તો આવતો સમય જ બતાવશે

(10:36 pm IST)