Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સિંધાવદર ગામની જમીન અંગે થયેલ વારસાઇ નોંધના મામલે થયેલ રિવિઝન મોરબી કલેકટર દ્વારા રદ : મહત્વનો ચુકાદો

રાજકોટ,તા. ૧૮ : સિંધાવદર ગામમાં ગેરકાયદેસર રીતે થયેલ વારસાઇ નોંધ રદ કરીને સાચા અને ખરા માલીકની ગામ નમુના નંબર ૨ માં નામ દાખલ કરવાના નાયબ કલેકટરશ્રીના હુકમની સામે મોરબી કલેકટરશ્રીમાં થયેલ રીવીઝન અરજીના મંજુર કરતા મોરબી જીલ્લા કલેકટરે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, અમીભાઇ આહમદભાઇ શેરસીયા તથા ઉસ્માનભાઇ શેરસીયા, જલાલભાઇ શેરસીયા અને અલીભાઇ શેરસીયા ચારેય સગા ભાઇઓએ વર્ષ ૧૯૮૪ની સાલમાં સિંધાવદરના રહેવાસી મામદભાઇ જીવાભાઇ શેરસીયા પાસેથી સિંધાવદર ગામના રેવન્યુ સર્વ નં. ૪૩૯/૧ના પ્લોટ નં. ૧ તથા ૨ ની જમીન ચુકતે અવેજ ચુકવીને આશરે ૭૨૧-૮૫ ચો.મી. અલગ અલગ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હતી. ત્યારબાદ ચારેય સગા ભાઇઓએ આ જમીન ઉપર મકાન બનાવીને પરિવાર સાથે રહે છે. ત્યારબાદ વર્ષ ૨૦૦૪માં જમીન વેચનાર મામદભાઇ જીવાભાઇ શેરસીયાનું અવસાન થયેલ હતું.

મામદ જીવાના અવસાન બાદ તેમના વારસદારો રીમતબેન મામદભાઇ શેરસીયા વિગેરે એ વેચાણ કરેલ જમીન ઉપર તેમનો હકક, હિત, અધિકાર ન હોવા છતા ગેરકાયદેસર રીતે પોતાની વારસાઇ નોંધ ગામ નમુના નંબર ૨ માં દાખલ કરાવેલ હતી.

ત્યારબાદ અમીભાઇ શેરસીયા વિગેરે ૪ ભાઇઓએ ગામ નમુના નં. ૨ માં કરાવેલ નોંધ રદ કરવા મામદ જીવાના વારસદારોએ મોરબી કલેકટર સાહેબ સમક્ષ રીવીઝન અરજી ગુજારેલ હતી. જે રીવીઝન અરજીમાં અમીભાઇ શેરસીયા વિગેરે ચારેય ભાઇઓએ ચુકતે અવેજ ચુકવીને રજી. વેચાણ દસ્તાવેજને આધારે મામદ જીવા પાસેથી પ્લોટ્સ ખરીદ કર્યા હતા અને ત્યારબાદ પ્લોટ નં. ૧ તથા ૨ ઉપર અમીભાઇ શેરસીયા ચારેય ભાઇઓ વસવાટ કરવા લાગેલા. તેમજ પ્લોટસ નં. ૧ તથા ૨ ના સાચા અને ખરા માલીક રજી. વેચાણ દસ્તાવેજને આધારે સાબીત થાય છે.  તેમજ સદરહું પ્લોટસ ખરીદનાર બોનાફાઇડ પરચેજર ગણાય જે તમામ રજુઆતો યુવા ધારાશાસ્ત્રી ઇશાદ એ. શેરસીયાએ કરેલ પોતાની દલીલ તેમજ રજુ રાખેલ. હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇને મોરબી જીલ્લા કલેકટરશ્રીએ મામદ જીાના વારસોએ કરેલ રીવીઝન અરજીના મંજુર કરેલ અને વાંકાનેર નાં. કલેકટરશ્રીના હુકમ મુજબ અમીભાઇ શેરસીયા વિગરે -૪ ભાઇઓના રેવન્યુ રેકર્ડના ગામ નમુના નં. ૨ નામ યથાવત રાખવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં અમીભાઇ શેરસીયા વિગેરે -૪ ભાઇઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજયભાઇ એચ. પંડ્યા તેમજ મનીષભાઇ એચ.પંડ્યા અને ઇર્શાદ એ.શેરસીયા, રવિ ધ્રુવ, જયદેવસિંહ ચૌહાણ તેમજ વનરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

(4:01 pm IST)