Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

પોરબંદરમાં ગેરકાયદે બાયોડિઝલનું બેરોકટોક વેચાણ?

કલેકટર તપાસ કરીને પગલા લ્યે તેવી માગણીઃ અનઅધિકૃત બાયોડીઝલનું વેચાણ કરનારને રાજકીય ઓથની ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. કેટલાંક ઠેકાણે બેરોકટોક ગેરકાયદે બાયોડીઝલનું ધુમ વેચાણ થઇ રહ્યાની ચર્ચા ઉઠી છે. કલેકટર આ બાબતે તપાસ કરીને કડક પગલા લ્યે તેવી માગણી ઉઠી છે.

શહેરમાં અમુક સ્થળોએ બેરોકટોક બાયોડીઝલનું કેટલાંક સમયથી ધુમ વેચાણ થઇ રહ્યું હોવા છતાં પુરવઠા તંત્ર નિષ્ક્રીય હોય તેમ જણાય છે. ગેરકાયદે બાયોડિઝલના ધુમ વેચાણ ઉપર ચેકીંગ માટે કોઇ ફરકતું નથી. સામાન્ય રીતે કોઇ નાનો માણસ ર૦-રપ લીટર ગેરકાયદે બાયોડિઝલ વેચતા ઝડપાય તો તુરંત પગલા લેવાય છે. જયારે લાખો લીટર બાયોડીઝલનું વેચાણ કરનારાઓ સામે કેમ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી? તે પ્રશ્ન ચર્ચામાં રહેલ છે.

એવુ પણ કહેવાય છે કે ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરનારને કોઇ રાજકીય ઓથ હોય તેમને બાયોડીઝલનું વેચાણ કરતા અટકાવી શકાતા નથી. જિલ્લા કલેકટર ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરનારાની તપાસ કરીને કડક પગલા ભરે તેવી માગણી થઇ રહી છે.

(1:26 pm IST)