Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વિસાવદરમાં તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત સાચા ખેડૂતોને વળતરથી ઈરાદાપૂર્વક બાકાત રખાતા 'જગતનાં તાત'નાં ધરણા

તંત્રમાં દોડધામ :સત્ત્।ાધીશોએ હૈયાધારણ આપતા હાલ પૂરતું આંદોલન સમેટાયુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮: તાઉતે વાવાઝોડામાં સરકારે જાહેર કરેલી નુકસાનીનું વળતર વિસાવદર પંથકના ખેડૂતોને નહીં મળતા ગઈકાલે કોંગ્રેસનાં વરિષ્ઠ ધારાસભ્ય-ખેડૂત નેતા શ્રી હર્ષદભાઈ રિબડીયાની આગેવાની તળે મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણાં-આંદોલનના મંડાણ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

વિસાવદર પંથકમાં તાઉતે વાવાઝોડાના કારણે અંદાજે લગભગ ચાર હજારથી વધુ ખેડૂતોને માલઢોર,મકાન,ગોડાઉન,પાક આંબાઓને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોએ સરકારના નિયમ મુજબ અરજીઓ કરી દીધી હતી.ત્યારબાદ સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ હતી છતાં આજદિન સુધી મોટાભાગના ખેડૂતોને સહાય નહીં મળતાગઈકાલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ માર્કેટિંગ યાર્ડ-માંડાવડ ખાતે વાવાઝોડાની સહાયથી વંચિત રહેલ ખેડૂતોનો સંમેલન બોલાવ્યું હતું.સંમેલનમાં સતત એવો સૂર સંભાળાયો હતો કે,ખેડૂતોને વળતર ચુકવણીમાં વગેવાવણા થયા છે.ખરેખર નુકશાનનો ભોગ બનેલા સાચા ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે.

વિસાવદર પંથકમાં તોકતે વાવાઝોડામાં સરકારે જાહેર કરેલી નુકસાનીનું વળતર દ્યણાં ખેડૂતોને નહીં મળતા 'જગતનાં તાત'માં જબરો રોષ જોવા મળતો હતો.

ખેડૂત સંમેલનમાં સરકાર પર અને તંત્ર પર વાવાઝોડાની સહાય ચૂકવવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલી કાઢી પ્રાંત કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધારાસભ્યએ ધરણા કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. તાબડતોબ પ્રાંત અધિકારીએ ખેતીવાડી વિભાગ,તાલુકા વિકાસ અધિકારી, બાગાયત વિભાગ, મામલતદાર સહિતના અધિકારીઓને બોલાવી સમગ્ર મામલે તાત્કાલિક સહાય ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અને સર્વે કરવાની હૈયાધારણ આપતાં હાલ પૂરતું આંદોલન સમેટાયું હતું.

માત્ર બે ફૂટના જ અંતરે નુકસાની સહાયમાં મોટો તફાવત ૅંવિસાવદર તાલુકામાં વાવાઝોડાની સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ અધિકારીઓને સવાલો કર્યા હતા કે, અમારા શેઢા પાડોશી ખેડૂત આગેવાનને અમારાથી ઓછું નુકસાન થયું છે તો પણ તેને એક લાખ રૂપિયા જેવી સહાય ચુકવવામાં આવી છે અને અમારે તેનાથી વધુ નુકસાન થયું છે છતાં પણ માત્ર ત્રીસ હજાર જ સહાય ચૂકવી છે. માત્ર બે ફૂટના જ અંતરે ખેતરની નુકસાની સહાયમાં આટલો મોટો તફાવત કેમ છે ? આવા વેધક સવાલો-આક્ષેપોની સંમેલનમાં ઝડી વરસી હતી.

આ સંમેલનનું સફળ આયોજન તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા કર્યુ હતુ અને સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

આ સંમેલનમાં વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા,માળીયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા,વજુભાઈ મોવલિયા,ગોગનભાઈ પાનસુરિયા,અશ્વિનભાઈ ખટારિયા,ભરતભાઈ વિરડીયા,ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ત્રાપસીયા,જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વી.ટી.સીડા,વિસાવદર તા.પં.સદસ્ય હસમુખભાઈ રાબડીયા,અરવિંદભાઈ મહેતા,ભરતભાઈ અમીપરા,દિપકભાઈ સતાસીયા,રામજીભાઈ ભેસાણીયા,જયદીપભાઈ શીલુ,ચંપુભાઈ ખુમાણ,વજુભાઈ સૈયાગર ઉપરાંત તા.પં.- ન.પા.- ગ્રા.પં.- સહકારી ક્ષેત્રના આગેવાનો-કોંગ્રેસના વિવિધ પાંખના પદાધિકારીઓ-આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(1:21 pm IST)