Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જુનાગઢના ઔદ્યોગિક તથા શ્રમ અદાલતની નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટનઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ

જૂનાગઢ તા.૧૮ : જૂનાગઢ ખાતે કાર્યરત શ્રમ અને ઔદ્યોગિક અદાલતના  રાજ્ય સરકારશ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ નવા કોર્ટ બિલ્ડીંગનો  વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ તાજેતારમાં કાયદામંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને   યોજાયો હતો.

આ તકે ઔદ્યોગિક અદાલત, અમદાવાદ પ્રેસીડેન્ડ એન.બી.પીઠવા, જૂનાગઢ જિલ્લા ન્યાયાધીશ રીઝવાનાબેન બુખારી, મેયર ધીરૂભાઇ ગોહેલ લેબર કોર્ટના ન્યાયાધીશશ્રી એ.એમ. શેખ તથા જૂનાગઢ અદાલતોના ન્યાયધીશશ્રીઓ તેમજ સરકારી વકીલશ્રી એન.કે.પુરોહિત તેમજ જૂનાગઢ વકીલ મંડળ તથા લેબર લોઝ પ્રેકટીશન એસોસીએશનના હોદ્દેદારો તથા વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પક્ષકારોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે નવી કોર્ટ બિલ્ડીંગમાં હાલમાં ત્રણ અદાલતો બેસી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.તેમજ પક્ષકારોને નવી કોર્ટ બિલ્ડીંગમાં લીફ્ટ, આર.ઓ.પીવાનું પાણી, યુરીનલ, દિવ્યાંગ વ્યકિતઓ માટે વ્હીલચેર તથા સ્લોબ, પાર્કીંગ વ્યવસ્થા, વાતાનુકુલિત કોર્ટ રૂમો વગેરે જેવી અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આ નવુ કોર્ટ બિલ્ડીંગ કોર્ટ રેલ્વે સ્ટેશન, મજેવડી ગેઇટ તથા સરદાર ગેઇટની નજીક હોવાથી પક્ષકારોને વાહન વ્યવહારની સુવિધા મળી રહેશે. જિલ્લા ન્યાયાલય, ફેમીલી કોર્ટ, ગ્રાહક સુરક્ષા ફોરમ પણ બાજુમાં આવેલ છે. આથી પક્ષકારો અને વકીલોને સરળતા રહેશે.

(1:21 pm IST)