Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જૂનાગઢમાં જુગાર રમતા પકડાયેલ પત્નીના જામીન બાબતે પતિએ બોલાચાલી કરી મહિલા પોલીસને ધક્કો માર્યો

જોશીપરા પોલીસ ચોકીમાં બબાલ કરનાર પતિની ધરપકડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૮ : જૂનાગઢમાં જુગાર રમતી પકડાયેલ પત્નીના જામીન બાબતે પતિએ પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરી અને મહિલા પોલીસ કર્મીને ધક્કો મારી ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢના જોશીપરાના ઠાકરશીનગરમાં સોમવારે પોલીસે દરોડા પાડી સાર્વજનિક પ્લોટમાં જુગાર રમતી ચેતના કૈલાસ હીરપરા સહિત ૨૨ મહિલાને રૂ. ૪૭,૭૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. બાદમાં તમામ સામે કાર્યવાહી કરી ગઇકાલે બપોરના જોશીપરા પોલીસ ચોકી ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પરંતુ જુગાર રમતા ઝડપાયેલ ચેતનાબેનના જામીન બાબતે તેનો પતિ કૈલાસભાઇ હરદાસ હિરપરાએ પોલીસ ચોકી ખાતે એએસઆઇ રાહુલ દેવમુરારી સાથે બોલાચાલી કરી હતી અને ફરજમાં રૂકાવટ કરી હતી.

તેમજ આર્મ્સ લોકરક્ષક ખુશ્બુબેન પ્રવિણભાઇને ધક્કો મારી ગાળો કાઢી માથાના ભાગે માર માર્યો હતો.

કૈલાસ હીરપરાની આ માથાકુટથી પોલીસ સ્ટાફમાં સનસની મચી ગઇ હતી મહિલા લોકરક્ષક ખુશ્બુબેનની ફરિયાદ લઇ પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી કૈલાસની ધરપકડ કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ એન.વી. આંબલીયા ચલાવી રહ્યા છે.

(1:19 pm IST)