Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા રક્ષાબંધન વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા

તારીખઃ ૨૩ ઓગષ્ટ, ૨૦૨૧ થી ૧૩ સપ્ટેમ્બર,૨૦૨૧ રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાઃ તારીખઃ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાશે.

મુખ્યમંત્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે.
આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગહસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર ” રક્ષાબંધન ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મ તારીખ, સ્કુલનું નામ, મોબાઇલા નંબર, ઇ-મેઈલ આઈડી લખી અને સાથે આધાર કાર્ડ ની નકલ તા.૧૩/૦૯/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ, મોરબી ખાતે મોકલવાનું રહેશે.
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે

(12:06 pm IST)