Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

લતિપર-પીઠડનો રસ્તો બિસ્માર : પ્રવિણભાઇ મુસડીયાની લોક આંદોલનની ચિમકી

૭ દિવસમાં મરામત કરવા કોંગ્રેસના ધારાસભ્યોનું અલ્ટીમેટમ : ૫ વર્ષથી રસ્તાની હાલત બિસ્માર : વારંવાર રજુઆત છતા પરિણામ શૂન્ય

(મહેશ પંડ્યા દ્વારા) આમરણ,તા. ૧૮  : લતિપરથી પીઠડ સુધીનો ૭ કિ.મી. ગ્રામ્ય માર્ગ છેલ્લા પાંચ વર્ષથી સદંતર બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. તંત્ર સમક્ષ વારંવારની રજુઆત છતાં કશુ ધ્યાન અપાતુ નહિ હોવાથી જનતા પારવાર હાડમારીનો સામનો કર રહી છે.

ઉપરોકત પ્રશ્ને ૭૬ કાલાવડ ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડિયાએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત જામનગરને પત્ર પાઠવી ચીમકી આપતા જણાવ્યું છે કે, આ માર્ગને તાકિદે દિવસ-૭માં મરામત કરવામાં નહિ આવે તો પીઠડના ગ્રામજનો સાથે ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

પ્રવિણભાઇ મુસડીયાએ  રજુઆત જણાવ્યું છે કે, ધ્રોલ તાલુકાના લતિપરથી જોડિયા તાલુકાના પીઠડ ગામ સાથે જોડાતો બે તાલુકા વચ્ચોન મહત્વનો આ ગ્રામ્ય માર્ગ છેલ્લા પાંચ વર્ષથી બદથી બદતર હાલતમાં ફેરવાઇ ગયો છે. આ માર્ગ પર રેતખમન પ્રવૃતિ સાથે જોડાયેલા ડમ્પરો અને ટ્રકોના ટ્રાફિકને કારણે ડામરનું નામોનિશાન રહેવા પામ્યુ નથી. ઠેર ઠેર જગ્યાએ નાના મોટા ખાડાઓ પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાઇ છે. દરરોજ નાના મોટા સેંકડલ વાહનચાલકો માટે આ માર્ગ શિરદર્દ બની જવા પામ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા ર્નિભરતાપુર્વક કોઇ કાર્યવાહી થતી નથી. આ માર્ગને તકિદે કરંટ રિપેર ગ્રાન્ટ ફાળવી મોટરેબલ કરવામાં નહિ આવે તો ઉગ્ર લોક આંદોલન કરવાની ફરજ પડશે. તંત્ર ઉદાસીનતા ખંખેરી જનતાના પ્રાણ પ્રશ્ને તાકિદે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે. ધ્રોલ સાથે જોડાતા આ કાયમી વ્યવહારિક માર્ગ પર બોડકા-રસનાળ-ટીંબડી-અંબાલા-કોયલી ગામ સહિતની અંદાજે ૩૦ હજારની વસતીનો આવનજાવનનો ઉપયોગી માર્ગ બેહાલ બનેલો હોય પ્રજા સંપૂર્ણ તંત્ર નિર્ભર બની ચૂકી છે.

(11:53 am IST)