Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

શનિવારે સરધારથી જસદણ તાલુકામાં ભાજપની 'જન આશિર્વાદ યાત્રા'નું આગમનઃ પરષોતમભાઈ રૂપાલાનું સ્વાગત કરાશે

જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણીની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૮ :. ભાજપ દ્વારા આયોજીત જન આશીર્વાદ યાત્રાનું આગામી તા. ૨૧ના રોજ આગમન થવાનું હોય તેના આગોતરા આયોજન માટે જસદણ ખાતે સ્થાનિક ભાજપના આગેવાનોની મીટીંગ મળી હતી.

તાજેતરમાં જ કેન્દ્રીય કેબીનેટ મંત્રીમાં સ્થાન પામેલા પરષોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનું આગામી તા. ૨૧ના રોજ સરધારથી જસદણ તાલુકામાં આગમન થશે. આ યાત્રાનું જસદણ તાલુકામાં અદકેરૂ સન્માન કરવા જસદણ અને વિંછીયા તાલુકાના ભાજપના અનેક આગેવાનોની જસદણ ખાતે મીટીંગ મળી હતી. જેમાં જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી ઉપસ્થિત રહી કાર્યક્રમની રૂપરેખા કરી હતી.

યાત્રા તા. ૨૧ના રોજ સવારે સરધારથી સાડા આઠ વાગ્યે જસદણ આવવા રવાના થશે. બાદમાં સાડા નવ વાગ્યે વિરનગર આવશે ત્યાં સ્થાનિક લોકો દ્વારા યાત્રાનું સન્માન થશે બાદમાં ૧૦ વાગ્યે યાત્રા આટકોટ પહોંચશે, ત્યાં પણ સ્થાનિક અને તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, બાદ કેબીનેટ મંત્રી પરષોતમભાઈ રૂપાલા આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા વેકસીનેશન સેન્ટરની મુલાકાત કરશે.

બાદ સાડા દસ વાગ્યે યાત્રા જસદણ શહેરમાં પહોંચશે ત્યાં નવા માર્કેટયાર્ડ ખાતે સ્વાગત બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જસદણનો કાર્યક્રમ પત્યા બાદ યાત્રા સાડા અગીયાર વાગ્યે અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં પહોંચશે.

જસદણ તાલુકામાં યાત્રાના આગમન પૂર્વે તાલુકા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમના આયોજનમાં વિવિધ મોરચાના હોદેદારો, જસદણ-વિંછીયા તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:52 am IST)