Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલા સ્થિત એમના ઐતિહાસિક જન્મસ્થળની મુલાકાતે ડો. મહેન્દ્રભાઇ મુંજપરા

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી દ્વારા ભાવભર્યુ સ્વાગત કરાયું

રાજકોટ તા. ૧૮ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ચોટીલા સ્થિત એમના ઐતિહાસિક જન્મસ્થળની લાગણીસભર મુલાકાત ભારત સરકારના મહિલા, બાળ-વિકાસ અને આયુષ મંત્રાલયના રાજય મંત્રી અને સુરેન્દ્રનગર સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ લીધી હતી. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ અર્પણ કરી હતી. મેઘાણી-પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું.  

જન આશીર્વાદ યાત્રાના ઈન્ચાર્જ અને ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ-મંત્રી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ-ધારાસભ્ય વર્ષાબેન દોશી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ સુરેશભાઈ ધરજીયા, પ્રકાશભાઈ સોની, ચોટીલા નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ ખાચર, શિક્ષણ-જગતમાંથી મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.    

ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ગુજરાત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ આયોજનો થઈ રહ્યાં છે તે બદલ પિનાકી મેઘાણીએ હૃદયથી આભાર માન્યો હતો.  ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કીટ  અંતર્ગત ચોટીલા (જન્મભૂમિ), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ) અને ધંધુકા (શૌર્યભૂમિ) સ્થિત ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોને વિસાવવામાં આવશે જે ખાસ ઉલ્લેખનીય છે.

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી 

એન્ડ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:51 am IST)