Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વાંકાનેરમાં મુંબઇના કેટરર્સ દ્વારા વિવિધ પ્રકારની નિયાઝનું વિતરણઃ સબિલો દ્વારા સર્વત્ર હુસેની માહોલ

વાંકાનેર તા. ૧૮ :.. વાંકાનેરમાં મોહર્રમ અને આસુરાના પર્વ પૂર્વેના ચાલી રહેલા ન્યાઝ તકસીમ અંતર્ગત ઠેરઠેર 'હુસેની માહોલ' જોવા મળી રહ્યો છે.

લક્ષ્મીપરા, હુસેની ચોકવાળી શેરી, ડીસ્ટ્રીકટ કો. ઓ. બેન્ક પાછળ અફઝલ અલી લાખા અને ટીમની મહિલાઓ દ્વારા મોહર્રમ ચાંદ-૧ થી દરરોજ સાંજે મગરીબ બાદ આમ ન્યાજનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુંબઇના કેટરર્સ અને લાલાભાઇની ટીમ દરરોજ વિવિધ પ્રકારની પ્રસાદ યાને ન્યાઝ હુસેની લંગર તરીકે લોકોમાં બાંટવામાં આવે છે. તેમજ લક્ષ્મીપરા મેઇન રોડ પર વારીસ પીયા સબીલ તથા રોડ પર બીજી ત્રણેક જેટલી સબીલો ઉપરાંત ગ્રીન ચોક, તરીયાવાડ સિપાઇ શેરી, ભોરણીયા શેરી સહિત શહેરની અન્ય દસેક જેટલી સબીલોમાં દરરોજ વિવિધ પ્રકારની તીખી-મીઠી અનેક જાતની ન્યાજ સાંજે બાંટવામાં આવે છે. જયારે કેટલાક વિસ્તારોમાં વાએઝની તકરીરો સાથે ન્યાજ બાંટવામાં આવી રહી છે. આવતીકાલે ગુરૂવારે સાંજે તાઝીયાઓ પડમાં આવશે જે પોતપોતાના માતમામં જ રહેશે. આ બે દિવસ એટલે કે ગુરૂ અને શુક્રવારે ન્યાઝ તકસીમના ઉત્સાહમાં વધુ ઉમેરો જોવા મળશે.

આ વેળા આસુરાનું પર્વ શુક્રવારે હોઇ, ઘણા વર્ષ બાદ દસમી મોહર્રમ અને જુમ્માનો સંયોગ જોવા મળી રહ્યો છે. મોહર્રમના તકરીરો બયાનો માં સાંભળવા મળ્યા મુજબ આશુરામાં પયગમ્બર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસેનની મહાન શહીદી શુક્રવારે જ થઇ હોઇ, આશુરાના દિવસે શુક્રવારનો સંયોગનું મહાત્મ્ય વધી જવા પામે છે.

(11:44 am IST)