Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ભાવનગર - પોણો, મહુવામાં અડધો ઇંચ : સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલ્ટો

લાં...બા સમય બાદ વાદળછાયુ વાતાવરણ છવાતા લોકોને સાર્વત્રિક વરસાદની આશા

ગોંડલમાં વાદળાઃ ગોંડલમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું જે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને હળવો - મધ્યમ વરસાદ વરસી જાય છે. ભાવનગરમાં પોણો ઇંચ, મહુવામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

લાંબા સમય બાદ વાદળછાયુ વાતાવરણ છવાતા લોકોને સાર્વત્રિક વરસાદની આશા છવાઇ છે.

કાલે મોડી રાત્રે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. રાજુલામાં જોરદાર ઝાપટુ પડયું હતું. ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના લોર, ફાચરિયામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગોધરાના વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવતા હળવા પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ રાત્રે એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

બોટાદના ગઢડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. વરસાદથી ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. જોરદાર ગરમી અને બફારા વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

મોડી સાંજથી ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, છોટા ઉદેપુર, પાવી, જેતપુર, બોડેલી, નસવાડી સહિત જિલ્લામાં વરસાદ માહોલ છે.

ખેડા જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. યાત્રાધામ ડાકોર, ઠાસરા, ગળતેશ્વર, મહુધા, મહેમદાવાદમાં વરસાદ પડયો હતો. ચરોતરના તમાકુ , ડાંગર સહિતના પાકોને નવુ જીવનદાન મળ્યું છે. નિઝર કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે ૬ થી ૮ બે કલાકમાં બે ઇંચ ખાબકયો હતો. બહુરૂપા ગામના કેટલાક ઘરોમાં પાણી ઘુસ્યા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં પોણો ઇંચ, મહુવામાં અર્ધો ઇંચ વરસાદ પડયો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદી માહોલ વચ્ચે હળવા - ભારે ઝાપટા વરસ્યા છે.

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ ઉભો થતા વરસાદની આશા બંધાણી છે. છેલ્લા કેટલાય દિવસોથી ધાબડીયા વાતાવરણ વચ્ચે વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી પરંતુ ગઇરાત્રીથી વરસાદી માહોલ બંધાયો છે અને છુટો છવાયો વરસાદ પડયો છે.

ભાવનગર શહેરમાં ૧૮ મીમી, મહુવામાં ૧૦ મીમી, સિહોરમાં ૪ મીમી, જેસર અને ઘોઘામાં ૨-૨ મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ હોય લોકોને સારા વરસાદની આશા બંધાણી છે.

(11:40 am IST)