Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

૨૦૨૨માં કેસરીયો લ્હેરાવાનો કોંગી ધારાસભ્ય વસોયાનો સંકેત !

ધોરાજીના તોરણીયા ગામે લોકાર્પણ કાર્યક્રમમાં પ્રથમ જ વાર ભાજપ - કોંગ્રેસના અગ્રણીઓ એકમંચ ઉપર દેખાયા : જયેશભાઇ રાદડીયા ગુજરાતની ધરાનું સુકાન સંભાળે : લલીતભાઇની આડકતરી જાહેરાતથી ચકચાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૮ : તાલુકાના તોરણીયા ગામે રાજય સરકાર દ્વારા રૂપિયા એક કરોડથી વધુ ખર્ચે નૂતન તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ કાલરીયા, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, તોરણીયા નકલંકધામ મહંત રાજેન્દ્રદાસ બાપુ તેમજ ચાંપરડા સાધુ સમાજના પ્રમુખ મહંતના પ્રતિનિધિ સદાનંદબાપુ તેમજ ખીરસરા સ્વામિનારાયણ મંદિરના ભકિત સ્વામી વિગેરે સંતો મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાયો હતો. આ સમારોહમાં નાના એવા તોરણીયા ગામે ભાજપ-કોંગ્રેસના આગેવાનો પ્રથમ વખત એક મંચ પર જોવા મળ્યા હતા.

સમારોહના અધ્યક્ષ સ્થાનેથી રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે ધોરાજી વિસ્તારમાંથી મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ છે ત્યારે નકલંક ધામ તોરણીયા ને પણ હું ભૂલીન શકું કારણકે સંતોના આશીર્વાદથી આ વિસ્તારમાં મારી રાજકીય કારકિર્દીનો પ્રારંભ થયો છે એટલે હું કાયમી માટે ધોરાજીનો ઋણી છું અને વિકાસ કાર્યો બાબતે હું ધોરાજીને અગ્રતા આપું છું તેમજ આરોગ્યક્ષેત્રે ગામડા સુધી સારી સુવિધા મળે તે માટે રાજય સરકાર ગામડે ગામડે આરોગ્ય કેન્દ્ર નવા બનાવી રહી છે જેના ભાગરૂપે આજે તોરણીયાની જનતાને અને આજુબાજુની જનતાને લાભ મળ્યો છે.

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રવચનમાં ધોરાજીના તોરણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉધ્ઘાટન સમારોહમાં મને આમંત્રિત કરેલ તે બદલ આભાર વ્યકત કર્યો હતો અને પ્રથમ આરોગ્ય કેન્દ્રની અંદર કાયમી માટે ડોકટર મુકાય તેવી માગણી કરી હતી કારણકે હંગામી ડોકટરોને કારણે આ વિસ્તારની જનતાને સારી સુવિધાઓ નથી મળતી જેથી કાયમી માટે MBBS ડોકટર મુકાય તે અંગે ભાર મૂકયો હતો.

આ સાથે તોરણીયા નકલંક ધામ ના મહંત રાજેન્દ્ર દાસ બાપુ ને વંદન કરતા જણાવેલ કે તેમના આશીર્વાદથી હું ધોરાજી ઉપલેટાનો ધારાસભ્ય બન્યો છું અને આ વિસ્તાર મારા માટે કાયમી ઋણી છે.

સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ માર્મિક ટકોર કરતા જણાવેલ કે આપણી વચ્ચે ગુજરાતના મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત છે ત્યારે હું તમને શુભેચ્છા પાઠવું છું કે આવનારી ૨૦૨૨ ની વિધાનસભામાં જવલંત વિજય મેળવી ગુજરાતની ધરા નું સુકાન તમે સંભાળજો અને તોરણીયા નકલંક ધામ ના આશીર્વાદ પણ તમને ફળશે....?

આ પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યે જાહેર કાર્યક્રમમાં આવનારી ૨૦૨૨ ની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજયની સાથે જયેશભાઇ રાદડીયા ગુજરાતના મુખ્યમંત્રી બને એ પ્રકારના સંકેત આપતાં સમગ્ર વિસ્તારમાં અને રાજકીય રીતે ચર્ચા વ્યાપી ગઇ હતી

પોરબંદર લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવેલ કે તોરણીયાના આંગણે રાજય સરકારના માધ્યમથી એકાદ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે તોરણીયા આજુબાજુ વિસ્તારના તમામ ગામોને વિનામૂલ્યે તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે લલિત વસોયા ને કટાક્ષ ભરેલા જવાબ આપતા જણાવ્યું કે ગુજરાત સરકારમાં કોરોના મહામારી ના સમયમાં જે પ્રકારની સારવાર આપવામાં આવી છે દર્દીઓને તેમાં ભાજપના કે કોંગ્રેસના દર્દી છે તેવુ જોવામાં નહોતું આવતું માત્ર ને માત્ર દરેક વ્યકિતને વિનામૂલ્યે સેવા મળે એ પ્રકારની સુવિધા રાજય સરકારે આપી છે અને તોરણીયામાં ડોકટર કાયમી મૂકાશે જ ધારાસભ્યએ ચિંતા કરવાની જરૂર નથી આ બાબતની ચિંતા રાજય સરકાર કરે છે અને કરશે લોકોના પ્રશ્નો હશે તો અમે અહીં સાંભળવા આવ્યા છીએ આ બાબતે ધારાસભ્યએ દખલગીરી કરવાની જરૂર નથી પણ લોકોના પ્રશ્નોને વાચા આપે તો અમને કંઈ વાંધો નથી અને સરકારની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.

જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ જણાવેલ કે ધોરાજી તાલુકાના નાના એવા તોરણીયા ગામમાં સંતોના આશીર્વાદથી અદ્યતન સુવિધા ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે.

આ સાથે સમારોહ ની અંદર રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સદસ્ય વી. ડી. પટેલ, જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપીયા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસીકભાઈ ચાવડા, ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ મકાતી, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ડાંગર, તાલુકા ભાજપ મહામંત્રી જનકસિંહ જાડેજા, ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા, મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા, રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના ડિરેકટર કાંતિભાઈ જાગાણી, તોરણીયાના નનકુભાઈ વાંક, ધોરાજી તાલુકા ભાજપ પ્રભારી જયસુખભાઇ ઠેસીયા, પૂર્વ નગરપતિ હરકિશનભાઈ માવાણી તેમજ ધોરાજી શહેર અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ ધોરાજી ડેપ્યુટી કલેકટર ગૌતમ રૈયાણી, મામલતદાર કિશોરભાઈ જોલાપરા, તાલુકા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય બ્લોક હેલ્થ ઓફિસર પુનીત વાંછાણી તેમજ તોરણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર સ્ટાફ ગણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા..

બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય લલિત વસોયા કિશોરભાઈ રાઠોડ વિગેરે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન ભકિત સ્વામીએ કર્યું હતું.

(11:39 am IST)