Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

શુક્રવારે નરેન્દ્રભાઇ - અમિતભાઇ - વિજયભાઇના હસ્તે સોમનાથમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન-કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી રૂબરૂ ઉપસ્થિત રહેશેઃ સમગ્ર સોમનાથ મંદિર સંકુલનો કાયાકલ્પ કરાતા ભાવિકોની સુવિધામાં વધારો

(દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ, તા., ૧૮: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.ર૦ ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય પ્રવાસન મંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની રૂબરૂ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ 'અકિલા' ને જણાવ્યું હતું આ તકે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઓનલાઇન જોડાશે.

કેન્દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા ઓનલાઇન પત્રકાર પરિષદ કરીને મંગળવારે માહિતી આપી છે કે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ર૦ ઓગસ્ટે ઓનલાઇન પ્લેટફોર્મ પર સોમનાથ એક પર્યટન સ્થળ સોમનાથ એકિઝબીશન સેન્ટર, નવીનીકરણ કરેલા જુના સોમનાથ મંદિરના વિસ્તારનું લોકાર્પણ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત શ્રી પાર્વતી મંદિરનો પણ શિલાયન્સ કરશે. આ મંદિર અંદાજે રૂ. ૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાશે. જે સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે ૩૮૦ સ્કવેર મીટરનો ગર્ભ ગૃહ અને ૧રપ૦ સ્કવેર મીટરના નૃત્ય મંડપ પણ બનાવાશે.

સરકારની પશાદ (પિલગીમ રિજુવેનેશન એન્ડ સ્પિરીચ્યુઅલ, હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ) યોજના હેઠળ આ માટે તમામ નાણાંકીય મદદ કરાશે. આ યોજનાનું લોકાર્પણ વર્ષ ર૦૧૪-૧પ માં વડાપ્રધાને કર્યુ હતું. યાત્રાધામ અને હેરીટેઝ પ્રવાસન સ્થળો વચ્ચે સુમેળ સાધવાના હેતુથી આ યોજનાને અમલમાં મુકાયેલી છે. જેના લીધે. રોજગારી સર્જાશે અને અર્થતંત્રને લાભ પણ થશે. પ્રવાસન સ્થળો પર વિશ્વસ્તરીય સુવિધા આપવાનો મુખ્ય હેતુ છે. જુના સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર રૂ. ૩.પ કરોડના ખર્ચે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયો છે. આ મંદિરને ઇંદોરના રાણી અહલ્યાબાઇએ બનાવ્યું હતું સ્થાનિક લોકો આ મંદિરને અહલ્યા મંદિર કહે છે.

સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે યોજાનાર આ કાર્યક્રમ સ્થળે સોમનાથ મંદિરના અથથી ઇતિ ૧૦૦ જેટલા ફોટોગ્રાફસ ડીસ્પ્લે કરવામાં આવેલ છે. કદાચ લોકાર્પણ સમયે સોમનાથ ટ્રસ્ટના વિકાસ કાર્યો અને વિવિધ જાણકારી આપતી ખાસ ડોકયુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવાય તેવી વકી છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પ્રવિણ લહેરીનાં માર્ગદર્શન સાથે સતત તૈયારીઓ થઇ રહેલ છે.

વોક વે ઉપર સ્વામીનારાયણ ગુરૂકુળ-સોમનાથ તથા શીશુ મંદિર-ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓના માર્ચપાસ્ટ બેન્ડવાજા  સુરાવલીઓ તથા સોમનાથ ખાતે ચોરવાડની વિશ્વ પ્રસિધ્ધ ટીપણી નૃત્ય સીદી બાદશાહ ધમાલ, નૃત્ય, જુનાગઢ બેન્ડ પાર્ટીની સુરાવલીઓ વિવિધ પૌરાણીક પાત્રો સાથેની રથ શોભાયાત્રા-બાંટવાના વિશ્વ પ્રસિધ્ધ  જય ચામુંડા રાસ મંડળીની દાંડીયારાસ રમઝટ તેમજ સોમનાથ ખાતે ડોકયુમેન્ટરી પણ દર્શાવવામાં આવી શકે છે.

  • સોમનાથને વિશ્વસ્તરીય પર્યટન સ્થળ બનાવશે

* ‘પ્રસાદ યોજના હેઠળ સોમનાથનો પર્યટન સ્થળ તરીકે વિકાસ

* કેન્દ્રીય પ્રવાસન વિભાગે આ માટે ડિસેમ્બર ર૦૧૮માં રૂ. ૪૭.૧ર કરોડ મંજુર કર્યા

* ૧૪૮ કિ.મી.માં વોકવે તૈયાર કરાયા

* ટ્રેટ્રાપોડ (ચતુર્ભુજ) અને શેરીનો વિકાસ

* શેરીઓમાં બેસવા માટે બેંચ

* આ પ્રોજેકટના પ્રથમ તબકકામાં રૂ. ૪પ.૩૬ કરોડના ખર્ચે સોમનાથમાં યાત્રાધામ માટેની સુવિધાનો વિકાસ

* પાર્કિંગ વિસ્તારનો વિકાસ, પ્રવાસન સુવિધા કેન્દ્ર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બન્યા.

* ઍકિઝબિશન સેન્ટરમાં જુના સોમનાથ મંદિર અને નાગર શૈલીની કલાકૃતિ

(11:09 am IST)