Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કલેકટર સુજીતકુમારે માલેતુજાર કાર્યમાં નહિ, ગરીબનાં કાર્યમાં રસ દાખવતા 'અશકય' 'શકય' બન્યું : બોટાદની ઘટના

નાના સખપર ગામના 'વિજય'નો જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ કઇ રીતે થયો? જાણવા જેવું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વર્તમાન સરકારે અનેક ક્ષેત્રોમાં સિમાચિન્હરૂપ કાર્યો હાથધરી લોકોને સુ-શાસનની પ્રતિતિ કરાવી છે. લોકાભિમુખ વહિવટ દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી તેનો સામાજિક - આર્થિક વિકાસ થાય તે માટેનું પારદર્શિતા સાથેનું કાર્ય આરંભ્યું છે, જેનું પ્રતિબિંબ રાજયના જિલ્લાઓમાં કામ કરતા કર્મયોગી અધિકારી-કર્મચારીઓમાં જોવા મળી રહયું છે.

મુખ્યમંત્રીના પારદર્શક - સંવેદનશીલ - નિર્ણાયક અને પ્રગતિશીલ વહીવટનો સંકલ્પ પૂર્ણ કરવા વહીવટીતંત્રના કર્મયોગીઓ માનવીય અભિગમ થકી લોકોના પ્રશ્નો - મુશ્કેલીઓના નિરાકરણ માટેનું કાર્ય સંનિષ્ઠતાથી કરી રહયા છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે. બોટાદ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર.

 છેવાડાના માનવની - અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોની મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરી તેમને સામાજિક - આર્થિક - શૈક્ષણિક રીતે આગળ વધારી શકાય ? તેની સતત ચિંતા કરતા જિલ્લા કલેકટર સુજીત કુમારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં રહી મજુરી કરી ગુજરાન ચલાવતા અનુ.જનજાતિના ભીલ પરિવારના દિકરા વિજયને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે જાતિના દાખલાના કારણે ઉભી થયેલ વિષમ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ તેમના માનવીય અભિગમ દ્વારા સરકારના સંવેદનશીલ વહીવટની સંકલ્પનાની પ્રતિતિ કરાવી છે.

 મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડ તાલુકાના ફૂલમાલના વતની એવા ખાપરીયાભાઈ ભીલ છેલ્લા છ એક વર્ષોથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામે રહીને મજુરી કામ કરી તેમનું તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ-પત્નિ બંન્ને અભણ હોવાથી આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતા પણ તેમના ત્રણ સંતાનોને અભ્યાસ માટે  નાના સખપર પ્રાથમિક શાળામાં મુકયા છે. જે પૈકી તેમનો દીકરો વિજય ભણવામાં હોશિયાર હોય શાળાના આચાર્યશ્રી સુરેશભાઈએ ખાપરીયાભાઈને બોલાવી વિજયને જવાહર નવોદય વિદ્યાલય (JNV) માં ભણાવવા માટે જણાવ્યું, અને તેના માટેની પ્રવેશ પરિક્ષા સહિતની તમામ બાબતોથી તેમને વાકેફ કરી વિજયને જવાહર નવોદય વિદ્યાલયની પરિક્ષાની તૈયારી માટે પાસેના ગામ ઉગામેડી ખાતે ચાલતા કલાસીસમાં વિનામૂલ્યે પરિક્ષાની તૈયારી કરાવવાની જવાબદારી પણ આ શાળાના શિક્ષકો - આચાર્યએ સ્વિકારી.

શાળાના આચાર્યની વાત સાંભળી ખાપરિયાભાઈને તેમના દિકારાના ઉજવળ ભવિષ્ય માટેની નવી દિશા મળી. વિજય એ જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૬ ની પ્રવેશ પરિક્ષાની તૈયારી કરી. શાળાના આચાર્ય - શિક્ષકોનું માર્ગદર્શન, વિજયની મહેનત અને માતા-પિતાના આશિર્વાદ રંગ લાવ્યા. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરિક્ષાનું પરિણામ જાહેર થયું અને તેમાં વિજયને અનુ.જનજાતિની જગ્યા ઉપર પ્રવેશ મળ્યો.

વિજય એ પ્રવેશ પરીક્ષા તો પાસ કરી. પરંતુ તેની અને તેના પરિવારની સાચી પરીક્ષા તો હવે શરૂ થઈ. તેમને જે કેટેગરીની જગ્યા ઉપર પ્રવેશ મેળવ્યો હતો. તે જાતિના પ્રમાણપત્ર તથા અન્ય દસ્તાવેજો સાથે તેમને જવાહર નવોદય વિદ્યાલયમાં નિયત તારીખે ઉપસ્થિત રહેવા જણાવાયું. ભીલ પરિવાર પાસે તેમની જાતિનું પ્રમાણપત્ર ઉપલબ્ધ નહોતુ. તેમના વતન ખાતેથી તે મેળવવું પડે તેમ હોય તેઓ તે મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરે તો પણ તેઓ નિયત તારીખ સુધીમાં તે મેળવી શકે તેમ ન હતાં.

સમગ્ર પરિવાર ચિંતામાં હતો કે હવે શુ કરશું ? પરિક્ષા પાસ કરી હોવા છતાં પણ તેમને એક જાતિના પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રવેશ રદ થવાની શકયતાઓ દેખાઈ રહી હતી. તેવા સમયે શાળાના આચાર્યશ્રીએ પ્રથમ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલનો સંપર્ક કરી તેમને તમામ વિગતોથી વાકેફ કર્યા. પ્રિન્સીપાલશ્રીએ આ બાબતમાં હકારાત્મક અભિગમ અપનાવ્યો, તેમ છતા નિયમાનુસાર છેલ્લી તારીખ સુધી તેમણે વિજયને જાતિનો દાખલો આવે તો પ્રવેશ આપવાની તૈયારી દર્શાવી તથા આ માટે જિલ્લા કલેકટરશ્રીનો સંપર્ક કરવાની પણ સલાહ આપી.

શાળાના આચાર્ય અને શિક્ષકો વિજયને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમીશન મળે તે માટે કટીબધ્ધ હતા. તેમણે આ માટે જિલ્લા કલેકટશ્રીનો સંપર્ક કર્યો. કલેકટરએ વાત સાંભળી. ગરીબ પરિવારના દિપક સમાન રવિના ઉજવલ ભવિષ્ય માટે મદદરૂપ થવાની ખાતરી આપી. તેમણે તુરત જ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા કલેકટરશ્રી ગણેશ શંકર મિશ્રાનો દૂરવાણી ઉપર સંપર્ક કરી તેમને આ તમામ પરિસ્થિતિથી વાકેફ કરી ગરીબ પરિવારને જાતિનો દાખલો મળે તે માટે મદદરૂપ બનવા જણાવ્યું.

આ ઘટનાની મહત્વની બાબત તો એ છે કે, બોટાદ જિલ્લા કલેકટરની લાગણી -  રજુઆતને ધ્યાને લઈ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા કલેકટરશ્રીએ પણ આ બાબતને ટોચ અગ્રતા આપી. જેના પરિણામે જિલ્લા કલેકટરની ટેલીફોનીક વાત થયા માત્ર ૨ કલાકમાં જ અલીરાજપુર કલેકટરે વોટસએપ દ્વારા બોટાદ જિલ્લા કલેકટરને જાતિનું પ્રમાણપત્ર મોકલી આપ્યું. (૨૩.૪)

(2:26 pm IST)