Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સુરેન્દ્રનગરમાં કેમીકલની આડમાં દારૂની હેરાફેરીનું કારસ્તાન ઝડપાયુ

વાપીથી સુરેન્દ્રનગર લાવવામાં આવતા કેમીકલના કેરબામાંથી ૮૦૦ બોટલ દારૂ - બિયરનો જથ્થો ઝડપી લેતી આર.આર.સેલની ટીમ

વઢવાણ તા. ૧૮ : સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવતા હોય છે ત્યારે આર આર સેલની ટીમે કેમિકલના કેરબામાં વિદેશી દારૂની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. શહેરના ભાવના રોડવેઝના ગોડાઉનમાં વાપીથી આવેલા ૨૧ શંકાસ્પદ કેરબાની તપાસ કરતાં ૨૭૨ વિદેશી દારૂની બોટલો તેમજ બિયરનાં ૫૭૦ ટીન સહિત કુલ રૂપિયા ૧,૭૮,૯૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. કેમિકલનો આ જથ્થો મોકલનારા તથા મંગાવનારા ત્રણ ઇન્ડસ્ટ્રીઝના માલિકો વિરુદ્ઘ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરમાં આવેલા ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શંકાસ્પદ હાલતમાં કેમીકલના કેરબા પડ્યા હોવાની બાતમી આર આર સેલની ટીમને મળી હતી. જેના આધારે દરોડા કરતા કાળા કલરના ૨૧ કેરબાઓ મળી આવ્યા હતા. જે કેરબાઓને ખોલી ચેક કરતા વિવિધ બ્રાન્ડની ૨૭૨ વિદેશી દારૂની બોટલો તેમજ ૫૭૦ નંગ બિયરના ટીન મળી આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે દારૂ, બિયર, કેરબા સહીતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રાથમિક તપાસ હાથ ધરતા જયોતી કોટન વર્ક નામની પેઢીના નામે વાપીથી મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું જયારે મંગાવનાર એન.કે.એન્ટરપ્રાઇઝ સુરેન્દ્રનગર અને જયેશ પ્લા. ઇન્ડસ્ટ્રીઝ જામનગરના નામની વિગતો બહાર આવતા પોલીસે હાલ આ ત્રણેય પઢીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં આઇ.જી. સંદીપ સીંહના માર્ગર્શન હેઠળ આર આર સેલના પીએસઆઇ એમ.પી.વાળા, દિપસિંહ ચિત્રા, સવજીભાઇ દાફડા સહીતનાઓ રોકાયા હતા. દારૂ-કેરબા સહિત ૧,૭૮,૯૫૦ નો મુદ્દામાલ કબજે કરાયો આ રીતે દારૂનો જથ્થો છુપાવતો કેમીકલના કેરબા પર અલગ અલગ પ્રકારના કેમીકલના નામ લખી સીલ મારી દીધા બાદ કેરબાના તળીયા ભાગમાંથી ખોલીને વિદેશી દારૂ તેમજ બીયરની બોટલોને કાગળમાં વીંટાળીને અંદર ભરી દેવામાં આવતી.

ત્યાર બાદ કેરબામાં ભરેલી બોટલો વચ્ચેની જગ્યા પુરવા માટે લાકડાનું ભુંસુ ભરી દેઇ તળીયાને ફેવીકવીક જેવા પદાર્થથી રેણ કરી જેમનું તેમ કરી દેવાતુ જેથી કોઇને શંકા ન જાય. મેનેજરને શંકા જતાં પોલીસ બોલાવી ને ઘટના બહાર આવી ૭ દિવસ સુધી ફોન કરવા છતાં કોઇ ગોડાઉન પર માલ છોડાવવા ન આવતા ગોડાઉન મેનેજરને શંકા ઉપજી હતી.

અગાઉ વાપીમાં આજ મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીના સમાચારો આવેલા હોવાથી મેનેજરે શંકાના આધારે પોલીસને જાણ કરતા આખી ઘટનાનો પર્દાફાસ થયો હતો. ૭ દિવસ સુધી કોઈ માલ લેવા જ આવતું નહોતું ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ૧૦ ઓગષ્ટના રોજ આ કેરબાઓ આવ્યા હતા. જેની રસીદમાં લખેલા નંબર પર વારંવાર ફોન કરવા છતાં કોઇ માલ છોડાવવા આવતા ન હતા.(૨૧.૧૨)

(11:39 am IST)