Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

પોસ્ટ ઓફીસ ગ્રામ્ય પ્રજાને દુનિયા સાથે જોડવાનું કામ કરે છેઃ સાંસદ પુનમબેન માડમ

જામ કલ્યાણપુર ખાતે પોસ્ટ ઓફિસ મકાનના નવીનીકરણનું સાંસદના હસ્તે લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા તા.૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર ખાતે પોસ્ટ ઓફિસ મકાનના નવીનીકરણનું લોકાર્પણ સાંસદશ્રી પુનમબેન માડમના હસ્તે સંપન્ન થયું હતું.

આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે નકકી કરેલ હતું કે આપણે વારસો મળયો છે તેને સુધારવાનો છે તેને અનુલક્ષીને જેટલી સરકારી મિલ્કત છે તે બધી જ સરકારની પ્રોપર્ટીને  નવીનીકરણ માટે બજેટ ફાળવવા રજુઆત કરેલ હતી.

પોસ્ટ ઓફિસ ગ્રામ્ય પ્રજાને દુનિયા સાથે જોડવાનું કામ કરે છે. કોઇપણ બેંકમાં તમારૂ ખાતું હોય, સીધી બેંક તમારા આંગણે, ઇન્ડિયા પોસ્ટપેમેન્ટ બેંકની માહિતી આપી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સંસદિય વિસ્તારની દરેક પોસ્ટઓફિસના મકાન બાંધકામ અને નવીનીકરણ માટે કેન્દ્રીય મંત્રીશ્રી રવીશંકર પ્રસાદજીને રજુઆત કરતા તેઓએ બજેટ ફાળવવા અને સમગ્ર દેશમાં આ પ્રથમ સેમિનાર યોજવાનું શ્રેય પુનમબેને પ્રાપ્ત કરેલ છે. ગ્રામ્ય વિસ્તારની શું જરૂરીયાત છે અને તેની મુશ્કેલીના કામનું ધ્યાન કેન્દ્રિત કરીને આ કામ કર્યું છે. અત્રે મળેલ સુવિધાઓનો ગ્રામ્ય પ્રજા લાભ લે તેમ જણાવ્યું હતું.

આ પોસ્ટઓફીસ સાથે ૧૧ ગામની બ્રાંચ પોસ્ટઓફિસ અને ૨૦ ગામને આવરી લેવામાં આવેલ છે. લોકડાઉન દરમ્યાન ગ્રામ્ય પ્રજાના ઘરે જઇને ઇપેમેન્ટથી રકમ પહોંચાડનાર કોરોના વોરિયર્સ ૩ પોષ્ટમેનનું સાંસદશ્રી પુનમબેન માડમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર ડીવીઝનના પોસ્ટઓફીસ સુપ્રિ. શ્રી જે.આઇ. મંસુરીએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પોસ્ટઓફિસ કલ્યાણપુરના શ્રી પીનાકિનભાઇએ કરેલ હતી.

આ પ્રસંગે કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પીઠાભાઇ વારોતરીયા, મામલતદારશ્રી આઇ.આર.પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.કે. મેણાંત તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ, પોષ્ટઓફિસના કર્મચારીઓ, ગ્રામજનો સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે ઉપસ્થિત રહયા હતા.

(10:16 am IST)