Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રાત્રે સૌરાષ્ટ્ર-કચ્છમાં જયાપાર્વતી વ્રતનું જાગરણ

હરવા-ફરવાના સ્થળે લોકો ઉમટી પડશે : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ, તા. ૧૮ : આજે મહિલાઓ-યુવતિઓ દ્વારા રાત્રીના જયાપાર્વતી વ્રતનું જાગરણ કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હરવા-ફરવાના સ્થળોએ લોકો ઉમટી પડશે અને પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત રહેશે.

અષાઢ સુદ તેરસથી અષાઢ વદ ત્રીજ સુધી આ વ્રત ચાલે છે. જયા-વિજયાને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. જયા પાર્વતીની સખી મનાઇ છે. આઠમ અને તરેસને પણ 'જયા' કહેવામાં આવે છે.

સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલી ઉઠી સ્નાન પરવારી શિવાલયમાં શિવ-પાર્વતી પૂજન નૈવેદ્ય-આરતી કરે છે. પાંચ દિવસ અલુણું-ગળપણ વિનાનું જમે છે. આ વ્રત પુરૂ થતાં દાન-દક્ષિણા-કપડું આપે છે. પાંચ કુંવારી કન્યા જમાડે છે.

ખંભાળીયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં આજે મહીલાઓને તહેવાર માટે જાગરણ જયા પાર્વતીનો તહેવાર હોય ખંભાળીયા પી.આઇ. અરવિંદસિંહ જાડેજાએ આખી રાત્રી દરમ્યાન જાગરણ હોય મહિલાઓ, યુવતિઓ સ્ત્રીઓ મુકત મને હરીફરી શકે તથા વ્રત સાથે આનંદપૂર્વક જાગરણનો તહેવાર મનાવે તે માટે આખી રાત્રી બજારોમાં હરવા ફરવા માટેની છૂટ આપી છે તથા હિન્દુ સંસ્કૃતિનું આ પારંપરિક પર્વ ઉત્સાહ મોજથી કોઇ જાતના ભય રાખ્યા વગર મનાવવા જણાવ્યું છે.

સમગ્ર રાત્રી જાગરણ દરમ્યાન કંઇ અનિચ્છનીય બનાવ ના બને તથા યુવતીઓ મહિલાઓ નયિંતપણે હરી ફરી શકે તથા કોઇ રોમિયો પજવણી ના કરે તથા છેડતી ના કરે તે માટે ટીમો પાડીને ચૂસ્ત વ્યવસ્થા પો.ઇ. જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોય આનંદથી મહીલાઓને જાગરણ પર્વની ઉજવણી કરવાની છૂટ અપાઇ છે.

પ્રાચીન સમયના જાગરણની પળો યાદ કરતા નગરજનો !!

ખંભાળીયા શહેર મનોરંજન અને જાગરણના તહેવાર ઉજવણી માટે ખૂબજ જાણીતું છે.

હાલના આધુનિક યુગમાં મોબાઇલ તથા ઓનલાઇન ફિલ્મ ટીવી છે ત્યારે પ્રાચીન સમયના જાગરણને આજે પણ લોકો યાદ કરે છે.

ખંભાળીયામાં એકજ શારદા સિનેમા જે એક માત્ર મનોરંજનનું સાધન ગણાતું ત્યાં જાગરણ દરમ્યાન રાત્રે સ્પેશ્યલ ફિલ્મ શો નવી ફિલ્મનો રખાતો જે માટે ટિકીટ મેળવવા ધસારો એવો થતો કે કયારેક તો સિનેમાના દરવાજા તૂટી જતાં તો ટિકીટોના કાળાબજાર થતાં અને ફિલ્મ જોવા લોકો ખાસ ટેકસી કરી જામનગર જતાં.

રાત્રે પ-૧૦ પૈસાના જુગારની રમતો થતી જેમાં મહીલાઓ સાથે પુરૂષો પણ જોડાતા અને પ૦૦/૭૦૦ રૂ. પર સાથે પકડાય તો છાપામાં સમાચાર આવતા હતા.

બ્રાહ્મણ જ્ઞાતિની વાડીઓમાં ખાસ નાટકના શો જાગરણ નિમિત્તે થતાં હતાં તો મનોરંજન માટે મંડળીઓ પણ આવતી હતી તો સ્પેશ્યલ સિનેમા શો માટે પડાપડી થતી તે આજના યુગમાં ઓનલાઇન ઘેર બેઠા ફિલ્મ જોવા મળે છે તે સમયમાં નવી પેઢી માને નહીં !! તો ડીસ કનેકશનો પર રાત્રે ફિલ્મો આવતી તે આજના યુગમાં જુની પોળ યાદ કરે છે.

(1:24 pm IST)