Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જસદણ પાલિકામાં પ્રથમ કારોબારી બેઠકમાં લાગ્યુ ગૃહણઃ અધ્યક્ષ સિવાય બધા સભ્યો ગેરહાજર રહેતા બેઠક રદ

અગાઉ નિષ્ઠાવાન પ્રમુખ દિપુભાઇ ગીડાને હટાવ્યા બાદ હવે કારોબારી ચેરમેન બીજલ ભેજાનીળીયાને હટાવવા અમુક સભ્યોએ આદરી રાજકીય રમતઃ રાજકીય ગરમાવો

જસદણઃ જસદણ નગરપાલીકાની કારોબારી સમિતિની પ્રથમ બેઠકમાં તમામ કારોબારી સભ્યો ગેરહાજર રહેતા કારોબારી બેઠક રદ થઇ હતી.(તસ્વીરઃ ધમેશ કલ્યાણી)

આટકોટ, તા.૧૮: જસદણ નગરપાલિકાની પ્રથમ કારોબારી બેઠક જસદણ સેવાસદનનાં મીટીંગ હોલ ખાતે યોજવામાં આવી હતી. પરંતુ પાલિકાનાં સ્થાનિક રાજકીય રમતના લીધે કારોબારી ચેરમેન સિવાયનાં અન્ય ૭ સભ્યો પૈકી એક પણ સભ્ય હાજર ન રહેતા કારોબારી બેઠક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ફરીવાર કારોબારી બેઠક યોજવામાં આવશે તેવી કારોબારી ચેરમેને જાહેરાત કરતા પાલિકાનું રાજકારણ ગરમાયું હતું.

૮ સભ્યોની કારોબારી સમિતિમાં કારોબારી ચેરમેન સિવાયનાં તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા.

જસદણ નગરપાલિકાની કારોબારી સમિતિમાં કુલ ૮ સભ્યો છે. જેમાં કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા, કાજલબેન દ્યોડકીયા, ભાવેશભાઈ વદ્યાસીયા, શોભનાબેન ઢોલરીયા, અનિતાબેન રૂપારેલીયા, માધવીબેન વસાણી, વર્ષાબેન સખીયા, નરેશભાઈ ચોહલીયા છે. પરંતુ આ પ્રથમ કારોબારી બેઠકમાં કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા સિવાયનાં અન્ય ૭ સભ્યો ગેરહાજર રહેતા કોરમનાં અભાવે કારોબારી બેઠક રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર વી.એલ.ધાનાણી, હેડકલાર્ક સંજયભાઈ ડાભી, પાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, સદસ્ય રાજુભાઈ ધાધલ જ ઉપસ્થિત રહી શકયા હતા. પરંતુ પાલિકાની પ્રથમ કારોબારી બેઠકને રાજકીય ગ્રહણ લાગી જતા બેઠક રદ કરવાનો વારો આવ્યો હતો.

આ અંગે જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે કારોબારી ચેરમેન પાર્ટી વિરુદ્ઘનું લખાણ અને ગમે ત્યારે પાર્ટી વિરુદ્ઘ બોલતા હોવાથી કારોબારી સભ્યો બધા નારાજ થઇ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. સભ્યો સાથે સંકલન પણ ન રાખતા હોય નારાજગી હોવાનું જણાવ્યું હતું.

આ અંગે જસદણનાં પ્રબુદ્ઘ નાગરિક હરપાલભાઈ ધાધલે જણાવ્યું હતું કે, પાલિકાની કારોબારી બેઠકમાં જે સભ્યો ગેરહાજર રહેલા હોય તેને સસ્પેન્ડ કરી નવી કારોબારીની રચના કરવી જોઈએ. જેથી શહેરના પડતર પ્રશ્નોનો ઉકેલ આવે. બાકી તો દીપકભાઈ ગીડા જેવા પ્રમુખને એક માસમાં બદલી નાખ્યા તેમ કારોબારી ચેરમેનને પણ ભ્રષ્ટાચારીઓ સ્વિકારશે નહી. કારોબારી ચેરમેન બીજલભાઈ ખોટી અરજી નથી કરતા પણ ભ્રષ્ટાચારને રોકવાની કોશિશ કરે છે.

આ અંગે જસદણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયાએ જણાવ્યું હતું કે, જસદણનાં પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરા તેમજ ભરતભાઈ ઉનડકટ(દેવળીયાવાળા)ની સુચના મુજબ મેં કારોબારી ચેરમેન પદ સંભાળ્યું હતું અને પાલિકામાં થતો ભ્રષ્ટાચાર અટકાવવા તેમજ નબળા કામો નહી ચલાવવા માટે જણાવ્યું હતું. પરંતુ પાલિકામાં જયાંજયાં ગેરરીતી જણાઈ હતી ત્યાં તેમનો વિરોધ કરતા આ બેઠકમાં તેના પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આ બેઠક અંગે પાલિકા પ્રમુખ  કહે છે કે આ બનાવથી જસદણનાં રાજકરણમાં ખાસકરી શહેર ભાજપમાં ભારે ચર્ચા જગાવી છે. કારોબારી ચેરમેન પક્ષ વિરુદ્ઘ પ્રવૃત્ત્િ। કરે છે જેના કારણે સભ્યો ગેરહાજર રહ્યા હતા. ખરેખર એવું નથી પણ પાલિકામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓએ રાજરમત કરી આ બેઠક રદ કરવાના પ્રયાસો કર્યા છે. અમે પક્ષ વિરુદ્ઘ કયારેય પ્રવૃત્ત્િ। કરી નથી પણ ભ્રષ્ટાચાર અટકાવવાના પ્રયાસો કર્યા હોવાથી મારો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે જસદણ નગર પાલિકામાં અમુક માજી સભ્યો અને પાલિકામાં પોતાનાં કોન્ટ્રાકટરો પાસ કરાવવા અને આર્થિક લાભો માટે થોડા સમય પહેલા નિષ્ઠાવાન પ્રમુખ દિપુભાઇ ગીડા સામે પણ અવિશ્વાસની દરખાસ્ત લાવી તેમને હોદા ઉપરથી દુર કર્યા હતા. હવે ફરી કારોબારી ચેરમેનને પણ દુર કરવા કવાયત હાથ ધરાતા હાલ તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડયું છે.

(11:53 am IST)