Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગીર સોમનાથ જિલ્લામાં અનેક બસના રૂટ અને રેલ્વે રદ્દ : મુસાફરો મુશ્કેલીમાં : એસટીના લાગેલા થપ્પા

પ્રભાસપાટણ, તા. ૧૮ : ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે હાઈવે રોડ અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓમાં ઠેર-ઠેર પાણી ભરાયેલ છે. જેના કારણે એસટીના અનેક રૂટ રદ્દ થયેલા છે. જેમાં ઉના, ભાવનગર, માળીયા તરફ જતી એસટી બસો ભારે વરસાદને કારણે બંધ કરેલ છે. જયારે મીટરગેજ રેલ્વે દેલવાડા અમરેલી જતી ટ્રેઈન રદ્દ કરેલ છે. વેરાવળમાં વરસાદને કારણે તા.૧૭ના સવારના સૂત્રાપાડા, કોડીનાર, ઉના, રાજુલા, ભાવનગર તરફ જતી તેમજ સોમનાથ, ઉના, સૂત્રાપાડા રોડ પર પાણી ભરાતા જૂનાગઢ - કોડીનાર ભાવનગર રૂટની તેમજ અન્ય લોકલ માળીયા હાટીના અને સૂત્રાપાડા તરફ જતી બસો વિભાગીય નિયામકના આદેશ મુજબના રૂટ રદ્દ કરી દીધા છે અને જેના કારણે અનેક મુસાફરો રજળી પડેલ છે.

બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા વેરાવળની દેલવાડા જતી મીટરગેજ ટ્રેન અને અમરેલી તરફ જતી ટ્રેન રદ્દ કરવામાં આવેલ હતી.

અનેક લાંબા રૂટો અને ગ્રામ્ય વિસ્તારની એસટી બસો રદ્દ કરવાને કારણે વેરાવળ એસટી ડેપોમાં અને સોમનાથ એસટી ડેપોમાં બસોના થપ્પા લાગેલા નજરે પડે છે. આ એસટી બસો રદ્દ થવાને કારણે એસટી વિભાગને પણ મોટુ નુકશાન થઈ રહેલ છે. તેમ એસટી - વેરાવળ ડેપો મેનેજર બી.ડી. રબારીએ જણાવેલ છે.

(11:50 am IST)