Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ઉપર તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા રોડ પર ઢોળાયેલ તેલ ભરવા લોકોની પડાપડી

મહિલાઓ, બાળકો સહિતના લોકો નાના મોટા વાસણો,ડબ્બા લઇને તેલ ભરવા ઉમટી પડયા

ધ્રાંગધ્રા તાલુકાના માલવણ હાઇવે ઉપર બાયપાસ નજીક તેલ ભરેલુ ટેન્કર હાઇવે રોડ ઉપર પલ્ટી ખાતા રોડ ઉપર ઢોળાયેલ તેલ ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ ઉપર આવેલી કલ્પના ચોકડી પાસેથી તેલ ભરેલુ ટેન્કર પસાર થતુ હતુ.ત્યારે એકાએક ટેન્કરના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટેન્કરે ડીવાયડર સાથે અથડાયા બાદ હાઇવે રોડ ઉપર જ પલ્ટી ખાધી હતી.ટેન્કર ઉંધુ પડતાની સાથે જ અંદર ભરેલુ તેલ હાઇવે રોડ ઉપર ફરી વળ્યુ હતુ.

હાઇવે ઉપર તેલ ઢોળાયાની જાણ આજુબાજુના રહીશોને થતાની સાથે જ મહિલાઓ, બાળકો સહિતના લોકો નાના મોટા વાસણો,ડબ્બા લઇને તેલ ભરવા માટે ઉમટી પડયા હતા.હાઇવે ઉપરથી તેલ બાજુના રસ્તાના ખાડામાં ભરાતા લોકોએ ખાડામાં ઢોળાયેલા તેલપણ ભરીને લઇ ગયા હતા.થોડા સમય માટે હાઇવે ઉપર વાહનોની અવર જવર બંધ કરી દેવાઇ હતી.ત્યાર બાદ પોલીસ અને એલ.એન્ડ ટીની હાઇવેની ટીમ દ્વારા વાહનોની અવર જવર શરૂ કરી દેવાઇ હતી.આમ ટેન્કર પલ્ટી ખાતા થોડા સમય તો અફરા તફરી મચી ગઇ હતી.

રોડ ઉપર રેતી નખાઇ (બોક્ષ) તેલ ઢોળાવાના કારણે રોડ ઉપર ચીકાસ થઇ ગઇ હોવાના કારણે એલ.એન્ડ ટી.કંપનીની ટીમ દ્વારા રોડ ઉપર રેતી પાથરી દઇ રોડની અવર જવર શરૂ કરાઇ હતી.

(9:48 pm IST)