Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જામનગરમાં કબુતર ખરીદવાના પૈસાની લેતીદેતીમાં મુકેશ કોળીની હત્યા થઇ'તીઃ નરેશ કોળી ઝડપાયો

જામનગર : તસ્વીરમાં ઝડપાયેલ આરોપી તથા સાથે પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર) (પ-૩૧)

જામનગર, તા. ૧૮ :. ફરીયાદી નીનુસભાઈ રમેશભાઈ પાટડીયા કોળી રહે. જામનગરવાળાના ભાઈ મુકેશભાઈ ઉર્ફે વડો રમેશભાઈ પાટડીયા કોળીનું ડેન્ટલ હોસ્પીટલ પાછળ જીમખાનામાં કોઈ અજાણ્યા ઈસમ તિક્ષ્ણ હથિયારથી ગળાના તથા પેટના ભાગે ગંભીર ઈજા કરી ખૂન કરેલ હોય જે ખૂનનો બનાવ વણશોધાયેલ હતો.  પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓના માર્ગદર્શન તથા જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજાનાઓના સુપરવિઝન હેઠળ આ ખૂનનો ગુનો શોધી કાઢવા અંગે એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. આર.એ. ડોડીયા તથા પો. સબ ઈન્સ. આર.બી. ગોજીયા તથા કે.કે. ગોહિલને સૂચના કરેલ જે ખૂન કેસનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુનો વિસ્તાર સર્ચ કરી તેમજ મરણજનાર સાથે રોજબરોજ સંપર્કવાળા ઈસમોની પ્રવૃતિ તથા હિલચાલ ઉપર વોચ રાખવામાં આવેલ હતી. તેમજ ઈલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરવામાં આવેલ હતો.

એલ.સી.બી.ના પો.સ.ઈ. આર.બી. ગોજીયા તથા સ્ટાફના માણસો આ ખૂનનો ભેદ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી.ના વનરાજભાઈ મકવાણા તથા ફીરોજભાઈ દલ તથા મિતેશભાઈ પટેલને તેઓના બાતમીદારથી હકીકત મળેલ કે, આ ખૂનમાં સંડોવાયેલ ઈસમ વિકટોરીયા પૂલ નીચે રંગમતી નદીના પટમાં છે તેવી હકીકત હોય જેથી એલ.સી.બી. સ્ટાફની ટીમો બનાવી વોચમાં હતા. દરમ્યાન મજકુર ઈસમ નરેશ ઉર્ફે નલુ રામજીભાઈ ઢાપા કોળી રહે. નાગેશ્વર કોલોની જામનગરવાળો મળી આવતા મજકુરને પકડી પાડી તેમના કબ્જામાંથી બે મોબાઈલ કિં. રૂ. ૫,૫૦૦ના કબ્જે કરી પો.સ.ઈ. આર.બી. ગોજીયાએ મજકુરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મજકુર આરોપીએ મરણ જનાર મુકેશભાઈ સાથે કબુતર ખરીદવાના પૈસાની લેતીદેતી બાબતે અવારનવાર ઝઘડો થતો હોય જે કારણે જીમખાનામાં લઈ જઈ મરણ જનાર મુકેશ ઉર્ફે વડોને તિક્ષ્ણ હથિયાર તલવારથી ગળા, પેટ, મોઢા ઉપર ઘા મારી ખૂન કરેલનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ આર. એ. ડોડીયાની સુચના મુજબ પો.સ.ઇ. આર. બી.ગોજીયા તથા વી.વી.વાગડીયા તથા કે.કે.ગોહીલ તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાલુભાઇ ગઢવી, મીતેશભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળ સિંહ બી.જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, પ્રતાપભાઇ ખાચર, અશોકભાઇ સોલંકી, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી, ભારતીબેન ડાંગર, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:11 pm IST)