Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અમરેલીની ૩પ સોસાયટીના લોકો રસ્તા પ્રશ્ને આંદોલન કરશે

ચૂંટણી સમયે વચનો તો અપાયા પરંતુ કામગીરી ન થતા આક્રોશઃ આવેદનપત્ર પાઠવીને રણશીંગુ ફુંકાશે

અમરેલી તા. ૧૮ :.. અમરેલીના કેરીયા રોડ બનાવવા પ્રશ્ને કરાયેલ અનેક રજૂઆતો બાદ તંત્રનું પાણી ન હલતા રોષે ભરાયેલ લોકો દ્વારા ગઇકાલે મળેલ મીટીંગમાં આજ રોજ કલેકટર કચેરી આવેદન પત્ર પાઠવી દિવસ સાતમાં રોડ ન બને તો આંદોલનની ચિમકી ઉચ્ચારમાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

અમરેલીમાં ત્રણ વર્ષ પુર્વે ભુગર્ભ ગટર પ્રશ્ને તંત્ર દ્વારા રોડનું ખોદ કામ કરાયું હતું ગટરનું કામ પુર્ણ થઇ ગયું હોવા છતાં તંત્ર દ્વારા રોડ ન બનતા અમરેલીના ઇતિહાસમાં પ્રથમ વાર ભાજપ - કોંગ્રેસ એક થઇ આંદોલનની રણનીતિ ઘડાઇ હતી.

લોકસભાની ચૂંટણી પૂર્વે નેતાઓ દ્વારા માર્ગ બનાવવા વચનો આપવામાં  આવ્યા હતા પરંતુ શહેરના અમુક માર્ગે ઉપર, થાગડ, થિગડ કરી દેતા તેના વચનો ઠાલા સાબિત થવા પામ્યા છે મહત્વના ગણાતા કેરીયા રોડ ઉપર માર્ગ મરામત તો શું છેલ્લા ત્રણ વર્ષથી થાગડ થીગડ પણ  થયું નથી ત્યારે આ પ્રશ્ને ત્રસ્ત લોકો દ્વારા કરાયેલ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતોનો કોઇ નિકાલ ન આવતા ગઇકલે રાત્રીને ૩પ જેટલી આ વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા યોજાયેલી મીટીંગમાં આજ રોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી દિવસ સાતમાં આ રોડ ન બને તો આંદોલન કરવા ચિમકી આપવા આયોજન ઘડાતા તંત્રમાં અફડા તફડી મચી ગઇ છે.

આ માર્ગની બંને સાઇડ સોસાયટી આપેલી છે. અહીંથી ૩ર થી વધુ ગામોમાં જવાનો માર્ગ છે. હોસ્પિટલો મંદિર, કૃષિ યુનિવર્સિટીની શાખા, પીજીવીસીએલની વડી કચેરી, આવેલી છે. દિવસ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા લોકો ખખડધજ માર્ગથી હેરાન - પરેશાન છે.  ખાડા ખબડામાં અથડાઇને સેંકડો લોકોને કમ્મર ભાંગી જવાની ઘટના બની રહી છે.

વાહનોના ટાયર નિચે દબાઇને પથ્થરો  છૂટી અનેક લોકોને ઘાયલ પણ કરી રહ્યા છે. હાલ ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. આ માર્ગ ઉપર કાદવ, કિચડનું સામ્રાજય સર્જાય ગયું છે ત્યારે આ માર્ગથી ત્રસ્ત લોકોની ધીરજ ખૂટી છે અને આવેદન પત્ર બાદ દિવસ સાતમાં માર્ગ ન બને તો આંદોલન કરવા ચિમકી ઉચ્ચારમાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે ત્યારે આ માર્ગ બનશે ખરો કે માત્ર તંત્ર દ્વારા ઠાલા વચનો અપાશે તેવા વેધક સવાલો જનતામાંથી ઉઠવા પામ્યા છે.

(1:08 pm IST)