Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગોંડલમાં ધોરાજીના ટ્રક ડ્રાઈવરની હત્યામાં પકડાયેલ રણછોડ આદિવાસી ચાર દિવસના રીમાન્ડ પર

રાજકોટ તા. ૧૮ :. ગોંડલમાં અઠવાડીયા પૂર્વે ધોરાજીના ટ્રક ડ્રાઇવરની હત્યામાં પકડાયેલ આદિવાસી શખ્સને કોર્ટે ચાર દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. તા. ૧૧-૬ વહેલી સવારના ગોંડલ નેશનલ હાઇવે રોડ નવા માર્કેટીંગ યાર્ડના સામેના ભાગે ટ્રક રજી. નં. જી.જે.-૧૦-વી-પ૯૭ર ના ડ્રાઇવર સુરેશભાઇ સવજીભાઇ સુરેલા ઉ.આ. ૪પ વર્ષની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. તેના માથાના પથ્થરના ઘા ઝીંકી પતાવી દેવાનુ ખુલતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચનાથી રૂરલ ક્રાઈમ બ્રાંચે આ બનાવ અંગે તપાસ હાથ ધરતા ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે બનાવવાળી જગ્યાની આજુબાજુમાં સીસી ટીવી ફુટેજની તપાસ કરી તેમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં અને તે ઇસમ લોહી વાળા કપડા પહેરેલ હાલતમાં જોવા મળતા પોલીસ તેનુ પગેરૂ દબાવી આરોપી રણછોડ આદીવાસી રહે. નવાદપુરા તા. કુકશી જી. ધાર મધ્ય પ્રદેશ વાળો હોવાની માહિતી મળતા તેને મધ્યપ્રદેશમાંથી દબોચી લેવાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ટ્રક ડ્રાઇવર ટ્રકમાં અલગ અલગ ગામડામાંથી કપાસ ભરી જીનોમાં ખાલી કરવા જતા હોય અને આ કામના આરોપી કપાસ ભરવાની મજૂરી કામ કરતો હોય અને બન્નેને અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપી રણછોડ આદિવાસીએ ટ્રક ડ્રાઇવર પાસે કપાસ વેચાણની મોટી મુડી હોવાની શંકાએ તેને લૂંટી લેવાના ઇરાદે રાત્રીના સમયે ટ્રકમાં ડ્રાઇવર સુતેલ હાલતમાં હોય તેના ઉપર પથ્થરો તથા બોથડ પદાર્થ થી હૂમલો કરી, મોત નિપજાવી મરણ જનારના ખીસામાં રહેલ રૂપિયા ૧૦૦૦ ની લૂંટ કરી હતી. પકડાયેલ આરોપી રણછોડ આદિવાસીને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. પોલીસે લોહીવાળા કપડા કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પી.આઈ. રામાનુજ ચલાવી છે.

(11:45 am IST)