Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મોરબી માર્કેટીંગ યાર્ડ ખરીફ કૃષિ મહોત્સવ યોજાયો

જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાએ બેસ્ટ આત્મા ખેડૂતોને એવોર્ડ તથા ચેક અર્પણ આઈ.કે.જાડેજાએ સન્માન કર્યુ

મોરબી, તા. ૧૮ : માર્કેટીંગ યાર્ડ-મોરબી ખાતે ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦-મુદ્દા અમલીકરણ સમિતિ કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો.

આ પ્રસંગે આઇ. કે જાડેજાએ જણાવ્યું હતુ કે, કૃષિ મહોત્સવની પ્રથમ શરૂઆત-૨૦૦૫ માં કરવામાં આવી હતી. જયારે કૃષિને વધુ સશકત કેવી રીતે બનાવી તેનો પ્રારંભ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ હતો. ગુજરાત સરકાર દ્વારા પશુપાલન પ્રભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી પ્રધાનમંત્રીના વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના નિર્ણયને સફળતા પૂર્વક સિદ્ધ કરી શકાય એવા ઉમદા આશયથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે આત્મા પ્રોજેકટનાં એવોર્ડ ખેડુતો પરાસરા મહમદયુસુફ હસેનભાઇને રૂ.૨૫,૦૦૦/- અને વિરસોડીયા મહાદેવભાઇ વશરામભાઇને રૂ.૧૦,૦૦૦/-નો ચેક આઇ.કે.જાડેના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ જણાવ્યું હતુ કે,૧૦ વર્ષથી કૃષિ મેળાનું આયોજન કરીએ છીએ અને તેમા સફળતા પૂર્વક પાર પડી રહયા છીએ. ઓછી જમીન અને ઓછા પણીમાં કેવી રીતે ખરીફ પાક મેળવવો તે અંગે ખેતીવાડી ખાતાના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો દરેક ખેડુતોએ વધુમાં વધુ લાભ લેવો જોઇએ. જયારે કૃષિ ઇન્પૂટ સબસીડી પેટે અછતગ્રસ્ત વિસ્તારમાં આશરે ૬૪,૦૦૦ લોકોને રૂ.૭૦ કરોડનું ચુકવણું અને અર્ધ અછતગ્રસ્ત વિસ્તારમાં આશરે ૫૪,૦૦૦ લોકોને રૂ.૫૩ કરોડનું ચુકવણું મોરબી જિલ્લામાંથી કરવામાં આવેલ છે.

સમારંભમાં અધ્યક્ષ અને મહાનુભાવોનું જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ તેમના વકતવ્યથી કરવામાં આવેલ હતું. જયારે આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી.ગજેરાએ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, દુર્લભજીભાઈ દેથરીયા, જયોતિસિંહ જાડેજા, મંજુલાબેન દેત્રોજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, પ્રાંત અધિકારી એસ.જે. ખાચર તેમજ અધિકારી અને કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં મોરબી જિલ્લાના ખેડૂત ભાઈ-બહેનોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, દુર્લભજીભાઇ દેથરીયા,જયોતિસિંહ જાડેજા, મંજુલાબેન દેત્રોજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા, ડીડીઓ એસ એમ ખટાણા, ખેતીવાડી અધિકારી ડી બી ગજેરા, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકાર તાયફા બંધ કરી ખેડૂતોને વીજળી આપે ખેડૂત

આજે કૃષિ મહોત્સવ યોજાયો હતો ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામના ખેડૂત જીતેન્દ્ર મેંદપરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અત્યારે કૃષિ મેળા યોજે છે અને ટંકારા તાલુકાના દેવળીયા જુની વાડી ફિડરમાં આઠ દિવસમાં માત્ર ૩ દિવસ જ ખેતીવાડી માં પાવર આપ્યો છે અને ફરિયાદ લખવી છે તો અધિકારી જવાબ આપતા નથી જેથી ખેડૂતો પરેશાન છે ત્યારે સરકાર કૃષિ મહોત્સવના તાયફા બંધ કરીને ખેડૂતોને વીજળી આપે તેવી માંગ કરી હતી.

(11:31 am IST)