Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડા ઇફેક્ટ : મોરબીમાં સતત વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા, સિવિલની લિફ્ટ બંધ

પાણી ભરાવાથી શોર્ટ સર્કિટને કારણે સિવિલની લિફ્ટ બંધ થતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા નવા બસસ્ટેન્ડમાં મોટા વૃક્ષની ડાળી તૂટી પડી : સદભાગ્યે કોઈ નુકશાની નહિ

મોરબી : મોરબીમાં વાવાઝોડાની આફતને પગલે ખાના ખરાબી થઈ છે. જેમાં સતત ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. જ્યારે સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં પાણી ભરાતા શોર્ટ સર્કિટ થવાથી આ લિફ્ટ બંધ થઈ ગઈ છે. લિફ્ટ બંધ થતાં ઇમરજન્સી દર્દીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.
મોરબીમાં વાવાઝોડાની અસરને પગલે ગતરાત્રીથી જ અવિરતપણે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ ચાલુ રહેવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા હતા અને સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં પાણી ઘુસી જતા શોર્ટ સર્કિટને કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી. આથી, દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ આ સામાન્ય વરસાદમાં પણ નીચાણમાં રહેલા ઔધોગિક વિસ્તાર લાતી પ્લોટમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા અને પાણી ભરાવાથી આ વિસ્તારની ઘોર અવદશા થઈ ગઈ છે. ત્યારે આ ચોમાસાના ટ્રેલર જેવા વરસાદમાં પણ તંત્રની પોલ ખુલી જતા આગામી ચોમાસામાં લોકોને કેવી કઠણાઈનો સામનો કરવો પડશે તે વિચારીને પણ ધ્રુજી ઉઠાઈ છે.

જ્યારે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં ભારે પવનના કારણે એક વૃક્ષની ડાળી નમીને બાદમાં તૂટી પડી હતી. સદભાગ્યે આજે લોકોની અવરજવર ન હોવાથી કોઈ ઈજાગ્રસ્ત થયું નથી

(1:49 pm IST)