Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જસદણમાં બે ઇંચ વરસાદ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ, તા.૧૮ : જસદણ પંથકમાં વાવાઝોડાને પગલે ગઇકાલે મોડી રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારે ત્રણ કલાક થી છ કલાક દરમિયાન ભયાનક ડરામણો પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગઈકાલ રાતથી વહેલી સવાર દરમિયાન જસદણમાં ૪૮ મીમી જેટલો એટલેકે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વાવાઝોડાને પગલે જસદણની ડીએસવીકે હાઈસ્કૂલનાં બે મોટા વૃક્ષો પડી જતા ગેસ એજન્સી પાસે રસ્તો બંધ થયો હતો. જો કે વહેલી સવારે જ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમના પ્રતાપભાઈ સોલંકી, રાજુભાઈ વાળા, અતુલભાઇ વાળા, અશોકભાઈ ભંડેરી સહિતની ટીમે ધરાશાયી થયેલા વૃક્ષોને ખસેડીને રસ્તો શરુ કર્યો હતો.આ ઉપરાંત જસદણ એસટી બસ સ્ટેશનની અંદર ગેઇટ પાસે જ એક હોડિંગ પડી ગયું હતું. આટકોટ રોડ ઉપર અનેક જગ્યાએ દુકાનના બોર્ડ પતરા વગેરે નીચે પડી ગયા હતા. રાત્રી દરમિયાન ત્રણ વાગ્યા સુધી વીજપુરવઠો ચાલુ-બંધ ચાલુ-બંધ થતો હતો પરંતુ વહેલી સવારે ૪ વાગ્યાથી વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો. જસદણ જસદણ શહેર અને તાલુકામાં જાનહાનિનો કોઈ બનાવ નથી પરંતુ અનેક જગ્યાએ વૃક્ષો પડી જવા, પતરાના બોર્ડ પડી જવા, છાપરા પડી જવા જેવા બનાવો બનવા પામ્યા છે.

(12:32 pm IST)