Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

રેડઝોનમાંથી કચ્છ આવનારાઓને ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં રાખવાના નિર્ણય માટેની ઢીલ ભારે પડશે? બહારના ૨૩ દર્દીઓને પગલે લોકોમાં ચર્ચા

કચ્છમાં કલેકટરતંત્રના સંકલનનો અભાવ નિર્ણયો લેવામાં બાધક, જાહેરનામા, શ્રમિકોના વિરોધથી માંડીને રેડઝોન કે હોટસ્પોટમાંથી આવનારાઓ માટે નિયમો અમલમાં લાવવાની ઢીલ ચર્ચામાં, લોકો ભૂકંપ અને વાવાઝોડા સમયના તંત્ર સાથે કરે છે સરખામણી

(ભુજ) માત્ર એક જ અઠવાડીયામાં કોરોનાના એક સાથે ૨૧ દર્દીઓના વિસ્ફોટે કચ્છના લોકોનો ધ્રુજાવી દીધા છે. રેડઝોન અને હોટસ્પોટમાંથી વતન આવનારાઓ માટે સ્થાનિકે કચ્છમાં નિયમો ઘડાય એવી લોકચર્ચા તેમ જ મીડીયાની ન્યૂઝ હેડ લાઈનો હોય કે પછી કચ્છના ઉચ્ચ અધિકારીઓ સાથેના મીડીયા ગ્રુપમાં થતા સૂચનો હોય એ વિશે કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર માત્ર સરકારી ગતિવિધિથી ચલાવતા તંત્રના અનિર્ણયતાભર્યા વહીવટની ઊંઘ મોડે મોડે ઉડી. છેક ૧૫/૫ ના શુક્રવારે કલેકટર પ્રવીણા ડી.કે. એ જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે, બહારના અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવનારાઓને સાત દિવસ ફરજિયાત ઇન્સ્ટિટ્યૂટમાં અને સાત દિવસ ફરજીયાત પોતાને ઘેર ક્વોરેન્ટાઈન રહેવું પડશે. હવે એ પહેલાં તો હજારો લોકો વતનમાં આવી ચુક્યા હતા અને લાંબા સમયથી લોકોમાં તેમ જ મીડીયામાં ક્વોરેન્ટાઈનનો અમલ ફરજીયાત કરાય તેવી માંગ પણ હતી. જોકે, કલેકટર દ્વારા મોડે મોડે પણ આ જાહેરનામું બહાર પાડ્યા બાદ તેની અસર વરતાઈ છે. જ્યાં કચ્છમાં દરરોજ સતત ચારેક હજાર લોકો પ્રવેશતા હોવાની જિલ્લા આરોગ્યતંત્રની કબૂલાત વચ્ચે નવું જાહેરનામું બહાર પડ્યા બાદ ફરજીયાત ક્વોરેન્ટાઈનના કારણે આવનાર લોકોની સંખ્યા બે દિવસ થયા પહેલા કરતા અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. તો, કચ્છના એક ઉચ્ચ અધિકારીએ કરેલ ટ્વીટ ચિંતા સાથે સચ્ચાઈ દર્શાવે છે. આ ટ્વીટ પ્રમાણે કચ્છમાં આવનારાઓમાંથી ૪૭ % લોકો રેડઝોનમાંથી આવે છે. કોરોના મહામારી વકર્યા પછી વતન આવવા માટે સૌથી વધુ ઉત્સુક મુંબઈગરાઓ રહ્યા છે. અત્યારસુધીમાં  અંદાજીત દોઢ લાખ લોકો કચ્છમાં આવી ગયા છે. કચ્છના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયા દ્વારા સતત બહારથી આવનારાઓની તપાસનો મુદ્દો અને ક્વોરેન્ટાઈનનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો છે. જોકે, થોડું ઘણું કામ તંત્રએ કર્યું પણ નિયમોની કડકાઈના અભાવે આ મુદ્દે બહારથી આવનારાઓ ખૂબ જ ઢીલ અને બેદરકારીથી વર્ત્યા. અરે, મુંબઈના રેડઝોન અને હોટસ્પોટમાંથી પણ લોકોને મેડિકલ ચેકઅપના સર્ટિફિકેટ વગર કચ્છમાં પ્રવેશ અપાયો. વળી, આવનારાઓને ક્વોરેન્ટાઈન કરવાની જવાબદારી ગ્રામ પંચાયતો ઉપાડે એવો અમલ કરવામાં મુશ્કેલીભર્યો નિર્ણય કર્યો. જેનો વિરોધ થયો. જોકે, તાલુકા મથકોએ સરકારી વ્યવસ્થા અને ખાનગી હોટેલમાં ક્વોરેન્ટાઈન કરવાના સરકારના નિર્ણયે થોડી રાહત આપી છે. પણ, તબીબી પ્રમાણપત્ર અને ક્વોરેન્ટાઈન માટેના નિર્ણયો માટેની ઢીલનું ઉદાહરણ જોઈએ તો, ભુજની તબીબ યુવતી, બુઢારમોરાના ૬ કેસ ગઈકાલે નીકળેલા મુંબઈથી આવનારા ૧૩ કેસ પૈકી બોરીવલી હોટસ્પોટમાંથી  આવનાર નલિયાનું ભાનુશાલી દંપતી છે. તો, માંડવીના કોડાય ગામે દિલ્હીથી આવેલ બેંક મેનેજરનો કેસ પણ એવો જ છે. કચ્છમાં કુલ ૩૦ દર્દીઓમાંથી સ્થાનિક ના ૬ જ દર્દીઓ છે, ૨૩ દર્દીઓ બહારથી આવનારાઓના છે. શ્રમિકો માટે પણ ટ્રેન સબંધે ઘણી જ અવઢવ રહી જેના પરિણામે શ્રમિકો રોષે ભરાયા, ક્યાંક તોફાન કર્યા. એ બધા વચ્ચે કચ્છમાં હજી પણ દર્દીઓની સંખ્યા વધશે એવી ચેતવણી જિલ્લા આરોગ્યતંત્ર આપી ચૂક્યું છે. ત્યારે સ્થાનિકે કલેકટરતંત્રનું સંકલન સુધરે એવી અપેક્ષા.

(1:52 pm IST)