Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સુરેન્દ્રનગર ૪૧.૩, રાજકોટ ૪૧.ર અમરેલીમાં ૪૧ ડીગ્રી

ગઇકાલે બગસરા-સાવરકુંડલા પંથકમાં ઝાપટુ વરસતા ખેડૂતોને ચિંતા

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મહત્તમ તાપમાનમાં સતત વધારો થતા આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. સવારના સૂર્યદર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધી જતા લોકો ઘરની બહાર નીકળવાનું  ટાળે છે. અને પંખા તથા એસી.ના સહારે ઘરમાં જ રહે છે.

ગઇકાલે સાવરકુંડલા, બગસરા પંથકમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતાં. જેના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

 અમરેલી જિલ્લામાં કાલે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ લાઠી, બગસરા, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા પડયાં હતાં. જયારે સાવરકુંડલાના વંડા, સેન્જળ સહિતના ગામોમાં વરસાદથી પાણી વહેતા થયા હતાં. વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે. જિલ્લના અન્ય વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહયું હતું. કાળઝાળ ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી.

ગઇકાલે રાજકોટમાં ૪૧.ર ડીગ્રી ગરમી હતી જેમાં ઘટાડો થઇને ૩૯.૯ ડીગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં ૪૧, કેશોદમાં ૩૮.૪, દીવમાં ૩૯, દ્વારકામાં ૩ર.ર, ઓખામાં ૩૩, પોરબંદરમાં ૩પ.૪, ઓખામાં ૩૩, પોરબંદરમાં ૩પ.૪, વેરાવળમાં ૩ર.ર ડીગ્રી ગરમી રહી હતી.

(11:53 am IST)