Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

મેડીકલમાં પૈસાથી પાસ ?: રી-ચેકીંગમાં ૧૦ છાત્રોના ગુણ વધ્યાઃ તપાસ થશે

પરીક્ષા-રીચેકીંગની કામગીરી યુનિવર્સિટી કક્ષાએ થાય છેઃ ડીન

વઢવાણ, તા., ૧૮: સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં પૈસા દઇને પાસ કરવાનો વીડીયો વાયરલ થયા બાદ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએથી સમીતીઓ રચાઇ છે. ત્યારે કોલેજમાં ગત પરીક્ષામાં લેવાયેલા પેપરો બાદ પેપર રી-ચેકીંગ કરાવતા ૧૦ વિદ્યાર્થીઓના ૧ર વિષયોમાં માર્કસમાં વધારો થતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિદ્યાર્થીઓ પાસે પાસ થવા માટે પૈસા લેવાયા છે કે કેમ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સુરેન્દ્રનગરની સી.યુ.શાહે કરોડો રૂપીયાનું દાન કર્યુ છે. ત્યારે આ જ કોલેજમાં વિદ્યાર્થી પાસે એટીકેટી સોલ્વ કરાવવા માટે એક વિષયના રૂપીયા ૧.રપ લાખ રૂપીયા થી ર.પ૦ લાખ લેવાયા હોવાની ઘટના મેડીકલ ક્ષેત્રે શરમજનક ઘટના સમાન બની છે. સમગ્ર બનાવ બહાર આવતા કોલેજ દ્વારા કલાર્ક નિમેશ મકવાણાનું રાજીનામું લઇ આ બનાવની ઇન્કવાયરી કરવા કમીટી રચી છે. જયારે આ મામલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી રજુઆતો થતા કુલપતિ ડો. કમલ ડોડીયાએ પણ બનાવના મુળ સુધી પહોંચવા ચાર સભ્યોની તપાસ સમીતીની રચના કરી છે. ત્યારે કોલેજ ગત વર્ષે લેવાયેલ પરીક્ષામાં ૧૦ વિદ્યાર્થીઓએ પેપરો રી-ચેકીંગ કરાવતા તેમના ૧૨ વિષયોમાં માર્કસમાં નોંધપાત્ર વધારો ધ્યાને આવ્યો છે. પેપર રી-ચેકીંગ કરાવતા એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓના માર્કસ વધી જતા તપાસનો વિષય બની ગયો છે.

આ અંગે મેડીકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો. રીનાબેન ગઢવીએ જણાવ્યું કે કોલેજમાં પરીક્ષા લેવાય છે. પરંતુ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લે છે. પેપર પણ ત્યાં જ ચેક થાય છે અને રી-ચેકીંગ પણ યુનિવર્સિટીએથી જ કરવામાં આવે છે તેમ છતા જે વિદ્યાર્થીઓના માર્કસ રી-ચેકીંગમાં વધ્યા છે તે દરેક વિદ્યાર્થીને વ્યકિતગત બોલાવી ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવશે.

(1:27 pm IST)