Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ગીર સોમનાથ જીલ્લાના લોકોનો ડેટાબેઝ અને આરોગ્ય સેવા સ્માર્ટફોનથી કરાશે ડીજીટલાઇઝડ

ગીર સોમનાથ તા. ૧૮:  ગીરસોમનાથ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ટેકો પ્લસ પ્રોજેકટ ના અમલીકરણ માટે  વેરાવળ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ તમામ શહેરી અને ગ્રામ્ય લોકોનો ડેટાબેઝ તેમજ અપાતી આરોગ્ય સેવાઓને સ્માર્ટ ફોન મારફત ટેકો એપમાં એન્ટ્રી કરી શકશે જેથી ડેટા તુરંત જ અપલોડ થઇ જશે અને ચોપડાઓ લખવાની બીજી કળાકૂટ થી મુકિત મળશે.

ટેકો પ્લસ ગુજરાત સરકારનો પ્રોજેકટ છે, જે પાઇલટ પ્રોજેકટ સ્વરૂપે ૫ વર્ષથી ભરૂચ જિલ્લાના જગડિયામાં તાલુકામાં ચાલી રહયો હતો. હવે ટુંક સમયમાં સમગ્ર ગુજરાતમાં તેનો અમલ થનાર છે. આ પ્રોજેકટ માં પ્રાથમિક તબકકે દરેક ફિમેલ હેલ્થ વર્કર અને ત્યારબારદ આશા બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. પ્રથમ દરેક પરિવારનો સર્વે કરીને ડેટા અપડેટ કરશે. ત્યારબાદ તમામ માતા અને બાળ આરોગ્ય સેવાઓની એન્ટ્રી કરશે. આથી યોગ્ય દેખરેખ થી માતામરણ અને બાળમરણ અટકાવવા વધુ સુવ્યવસ્થિત પગલા લઇ શકાશે.

આ વર્કશોપમાં કવોલીટી એશ્યોરન્સ અધિકારી ડો. જે. બી. બામરોટીયા, પબ્લીક હેલ્થ ઓફીસર ડો. એ. બી. ચૌધરી, એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. નિમાવત તેમજ દરેક તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસરો, શહેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના તમામ મેડીકલ ઓફીસરો, આયુષ તબીબો, ડેટા ઓપરેટરો અને તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ ઉપસ્થિત રહયા હતા. વર્કશોપમાં જિલ્લા ટેકો કોઓર્ડીનેટર ડો. સી. ડી. સીકોતરીયા તેમજ ડો. એસ. એમ. ભારાવાલાએ ટેકો પ્લસ પ્રોજેકટ વિશે વિગતવાર માહિતી આપી હતી.

(1:22 pm IST)