Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પ્રભાસતિર્થમાં માત્ર ૪ વર્ષનાં હેમાંગ ઠાકરને યજુર્વેદના શુધ્ધમંત્રો કંઠસ્થ

પ્રભાસપાટણ તા. ૧૮ : સોમનાથ તીર્થક્ષેત્રના મુખ્ય એરિયા ગણાતા રામરાખ ચોક વિસ્તારમાં સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં ભગવાન બાલાજી (શ્રીકૃષ્ણ) તથા હનુમાનજીનું મંદિર છેલ્લા ૧૧૧ વર્ષથી વિદ્યમાન છે. જયા સંત પરંપરા મુજક નિત્ય સવાર - સાંજ આરતી અને પૂજાઓ થાય છે. સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મસમાજના અનેક પરિવારો આ જગ્યાની મુલાકાતે આવે છે. જેમાં સોમનાથ સમસ્ત બ્રહ્મસમાજના વર્તમાન પ્રમુખ હિતેશભાઇ જોષીના સક્રિય પ્રયાસોથી બ્રહ્મ સમાજની આ વાડીમાં છેલ્લા એકાદ વર્ષથી બ્રાહ્મણોને વેદ અને શાસ્ત્રોકત પુજા વિધિઓ શિખવતી તદન નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે.

જેમાં બ્રહ્મ સમાજના ઘણા વિદ્યાર્થીઓ વડીલો અને બહેનો આ પાઠશાળામાં સંસ્કૃતાભ્યાસ માટે આવે છે. જેમાં ગુજરાત સરકારના એસ.ટી. ખાતાના નિવૃત કર્મચારી અનિલભાઇ ઠાકર તેની દિકરી ઇલાબેન નો માત્ર ૪ વર્ષનો પુત્ર હેમાંગ પણ આવે છે.

જેમાં ભાગ્યે જ જોવા મળે તેવું આશ્ચર્ય એ છે કે નાનો બાળક હેમાંગ સ્કુલે પણ જતો નથી. ગુજરાતી ભાષાનો એકડો પણ તે લખી - વાંચી શકતો નથી. છતા પાઠશાળાના આચાર્ય શાસ્ત્રીજી ભાસ્કરભાઇ જોષી જયારે વિદ્યાર્થીઓને યજુર્વેદના મંત્રો ઉચ્ચ સ્વરે બોલીને નિત્ય જે પાઠ આપે છે ત્યારે આ નાનો બાળક હેમાંગ બાલ સહજ સ્વભાગ પ્રમાણે રમત કરતો - કરતો તેની માતાના ખોળામાં માંથુ રાખી આડે પડખે સુતો સુતો એક ધ્યાનથી સાંભળે છે અને બિજા દિવસે બધા વિદ્યાર્થીઓ ગુરૂજી પાસે પોતાનો પાઠ રજૂ કરે ત્યારે આ ચાર વર્ષનો બટુક શુધ્ધ અને કંઠસ્થ બોલી પોતાનો પાઠ પણ પ્રસ્તુત કરે છે. ધ્યાન ખેંચતી બાબત એ છે કે ગુજરાતી લખતા કે વાંચતા જેને નથી આવડતું એ બાળક લેશ માત્ર અટકયા વિના યજુર્વેદના શુધ્ધ મંત્રો બોલે છે.

હૃદયસ્થ કરેલું આ જ્ઞાન ત્યારથી ઉત્તરોત્તર ગુરૂશિષ્ય પરંપરા પધ્ધતિથી શ્રુતિ જ્ઞાન આપવામાં આવતું જેને ભારતીય ઋષિ સંસ્કૃતિમાં શ્રુતિ પરંપરા કહેવામાં આવે છે.

આ પાઠશાળાની વિશેષતા એ જોવા મળે છે કે પિતા-પુત્ર, પિતા-પુત્રી-પૌત્ર એક સાથે ત્રણ પેઢી સંસ્કૃતાભ્યાસ માટે આવે છે. માત્ર ચાર વર્ષના આ બટુકને જોતા પૂર્વ કાલિન ઋષિ પરંપરાનું ચોકકસ સ્મરણ થાય છે.

વેદમંત્રોની ઋચાઓ બોલતા આ નાના   બાળકની વિડીયો કલીપ મેળવવા ઇચ્છતા શિવ ભકતોએ વિવેકભાઇ જોષી મો. ૯૬૮૭૫ ૪૬૦૨૪, પિનાકભાઇ જોષી મો. ૭૯૯૦૪ ૫૩૦૫૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:03 pm IST)