Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ઉનાળાના પ્રારંભે લીંબુનાં ભાવે સામાન્‍ય લોકોનાં દાંત ખાટા કર્યાઃ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ કરતા બજારમાં ૮૦ રૂપિયા મોંઘા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૮: લીંબુનાં ભાવે લોકોનાં દાંત ખાટાં કરી નાખ્‍યાં છે. ઉનાળાનાં પ્રારંભે જ લીંબુનાં ભાવ આસમાને પહોચ્‍યાં છે. જૂનાગઢ યાર્ડમાં એક મણ લીંબુનાં બે હજાર રૂપિયા બોલાયા હતાં. એક કિલો લીંબુનાં ૧૦૦ રૂપિયા થયા છે. જયારે આ જ લીંબુ બજારમાં ૧૮૦ રૂપિયાનાં કિલો મળી રહ્યાં છે.

ઉનાળામાં લીંબુનો મોટા પ્રમાણમાં વપરાશ થતો હોય છે. ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે. ત્‍યારે આજે જૂનાગઢ યાર્ડમાં લીંબુનાં ભાવ આસમાને પહોચ્‍યા હતાં. એક મણ લીંબુનાં ૨૦૦૦ રૂપિયા ભાવ બોલાયા હતાં. રિટેલ માર્કેટમાં ૧૫૦ થી ૧૮૦ સુધીના ભાવ ૧ કિલોના બોલાય છે.

સામાન્‍ય રીતે શિયાળામાં લીંબુના ૧ કિલોના ભાવ ૫૦ થી ૮૦ રૂપિયા કિલો હોય છે.આ જ લીંબુ ઉનાળામાં ૧૫૦ રૂપિયાએ પહોંચી જાય છે. આવનારા દિવસોમાં લીંબુની આવક ઘટશે, તો ભાવ હજુ પણ વધારે થવાની શક્‍યતા છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ૩૦ થી ૪૦ રૂપિયા ભાવ વધારે જોવા મળી રહ્યો છે.

માર્કેટીંગ યાર્ડના ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી હરેશ ગજેરાએ જણાવ્‍યું હતું કે, હજુ આવનારા દિવસોમાં જો લીંબુની આવક વધશે નહીં તો ભાવ વધશે. કારણ કે જયારે કોઈપણ વસ્‍તુની આવક ઘટતી હોય ત્‍યારે તે મોંઘી બનતી હોય છે અને ઉનાળામાં આમ પણ લીંબુની માંગમાં ખૂબ જ વધારો રહેતો હોય છે.

(1:46 pm IST)