Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કચ્‍છમાં અડધાથી અઢી ઇંચ : સર્વત્ર સવારે ઠંડક સાથે બીજે દિ' ઝાકળ

કમોસમી વરસાદથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પાકને ભારે નુકસાન : બરફના કરા પડયા

તસ્‍વીરમાં કચ્‍છમાં અને ભાવનગર પંથકમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : વિનોદ ગાલા (ભુજ), મેઘના વિપુલ હિરાણી (ભાવનગર)

રાજકોટ,તા.૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસી જાય છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે સામાન્‍ય ઠંડકનો ચમકારો આજે અનુભવાયો હતો.

કચ્‍છમાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડયો હતો. આજે પણ બીજે દિવસે ઝાકળ વર્ષા થઇ હતી.

ભૂજ

 (વિનોદ ગાલા દ્વારા)  ભુજ : હવામાનમાં પલટો આવશે એવી આગાહીને સાચી પાડતાં કુદરતે ભર ઉનાળે કચ્‍છમાં ભારે પવન અને ગાજવીજ સાથે ચોમાસું માહોલ સર્જ્‍યો હતો. બપોરે ત્રણ વાગ્‍યા બાદ એકાએક હવામાન પલટાયું તેની અસર એકંદરે સમગ્ર કચ્‍છમાં વરતાઈ હતી. ગાજવીજ, બરફના કરા, પવનનું તોફાન અને છૂટોછવાયો ધોધમાર વરસાદ વરસ્‍યો હતો. ભુજ અને નખત્રાણાને સાંકળતા આહીર પટ્ટીના ગામોમાં બે થી અઢી ઈંચ વરસાદ પડયો હતો. ભુજના સુમરાસર ગામે વીજળી પડતાં બે ભેંસના મોત નિપજ્‍યા હતા. જ્‍યારે મુન્‍દ્રા તા.ના વાંકી પત્રી વિસ્‍તારમાં એક ઈંચ પાણી પડી ગયું હતું. અહીં ભારે પવનને કારણે કણઝરા ગામે નવી બની રહેલ ફેકટરી ના ભારે.પતરાઓ ઉડ્‍યા હતા. માંડવીના ગઢશીશા પંથકમાં ભારે પવન વચ્‍ચે કરા સાથે વરસાદ પડ્‍યો હતો. નખત્રાણા, અબડાસા ઉપરાંત વાગડના ધોળાવીરા મધ્‍યે પણ પવન સાથે વરસાદ પડ્‍યો હતો. એકાએક પડેલા માવઠાએ કચ્‍છના ખેડૂતો માટે ભારે આર્થિક મુશ્‍કેલી સર્જી છે. ઘઉં, એરંડા, જીરું ઉપરાંત દાડમ, કેરી જેવા બાગાયતી પાકો ને ભારે નુકસાન થયું છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : ગઈકાલે કમોસમી વરસાદ થયા બાદ આજે જૂનાગઢમાં સવારે ઝાકળ વર્ષા થઈ હતી જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શુક્રવારે બપોરે બાદ જૂનાગઢના વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્‍યો હતો અને અડધા શહેરમાં તોફાની વરસાદ થયો હતો જ્‍યારે અડધા સિટીમાં અમી છાંટણા વરસ્‍યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢમાં મધુરમ થી મોતીબાગ અને ગાંધીગ્રામમાં વરસાદ થતા લોકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા. કોલેજ રોડ, તળાવ દરવાજા, કડવા ચોક ફક્‍ત ભીનો થયો હતો.

દરમ્‍યાન આજે સવારે જુનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૧ ટકા થઈ જતા ઝાકળ વર્ષા થઈ હતી. લઘુત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી રહ્યું હતું જ્‍યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૬ કિમીની રહી હતી.

ઉપલેટા

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા : ઉપલેટા અહીં તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાંજના ૫:૦૦ વાગ્‍યા બાદ  ભારે પવન તથા કરા સાથે વરસાદ પડેલ છે જેમાં તાલુકાના લાઠ, મજેઠી કુંઢેચ, મજેઠી ગામોમાં વરસાદ પડેલો હતો. આજના વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઘઉં, કપાસ  ચણા જેવા પાકોમાં ભારે નુકસાન થયેલ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં ગઈ રાત્રીના ૧૨:૦૦ વાગે એકાએક ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો. શહેરમાં કરા પણ પડ્‍યા હતા. ગોહિલવાડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી માવઠા જેવું વાતાવરણ રહેવા પામ્‍યું છે. ભાવનગર શહેરમાં ગઈ રાત્રીના ૧૨ : ૦૦ વાગે પ્રચંડ વીજ કડાકાથી સુતેલા નગરજનો જાગી ગયા હતા. ચોમાસાની જેવો માહોલ સર્જાયો હતો અને તેજ પવન સાથે વરસાદના કરા પણ પડ્‍યા હતા. દરમિયાન આજે શનિવારે સવારથી જ ભાવનગર શહેરમાં તડકો નીકળ્‍યો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ  તાપમાન ૨૨.૬, મહતમ તાપમાન ૩૫.૫, ભેજનું પ્રમાણ ૯૫%, પવનની ગતી ૪ કિ.મી. રહી હતી.

(11:57 am IST)