Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં

સેંજળધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ

ભાવનગર તા. ૧૮ : શ્રી ધ્યાનસ્વામીબાપા સમાધી મંદીર, સેંજળધામ ખાતે પૂ. મોરારીબાપુની નિશ્રામાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થશે.

પ્રતિ વર્ષ યોજાતા પાટોત્સવની પરંપરામાં ધ્યાનસ્વામીબાપા ટ્રસ્ટની સ્થાપના પછીનો ૩૨ મો પાટોત્સવ સમ્પન્ન થશે. એ સાથે જ ૧૯૯૫ થી આરંભાયેલ સમુહ લગ્ન સમારંભ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ૧૮ મો લગ્નોત્સવ યોજાશે, જેમાં ૫૬ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. જેમાં ૫૧ કન્યાઓ સાધુ સમાજની, ૨ કોળી સમાજની, ૨ વાલ્મીકિ સમાજની અને ૧ મુસ્લીમ સમાજની કન્યાઓ સામેલ છે. નાતજાત કે ઉંચ નીચના ભેદભાવ વગર આ કાર્યક્રમમાં સેંજળ ગામનો કોઇ પણ પરિવાર જોડાઇ શકે છે. વચ્ચે આઠેક વર્ષ એવાં હતાં કે જયારે સમુહ લગ્ન યોજાયા ન હતા પણ દિકરીઓને કરિયાવર સહાય આપવામાં આવી હતી. એ રીતે જોઈએ તો ટ્રસ્ટ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમુહ લગ્નનો આ ૨૫ મો અવસર કહી શકાય.

એ જ રીતે કચ્છ - કાઠિયાવાડ - ગુજરાતની દેહાણ જગ્યાઓ કે જે સાધુ સેવા, ગૌ સેવા, સમાજ સેવા અને અન્નક્ષેત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરી રહી છે તેવી કોઇ એક જગ્યાને પ્રતિ વર્ષ ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ થાય છે. ૨૦૧૧ થી શરૂ થયેલી આઙ્ગ શ્રૃંંખલામાં આ પહેલાં આઠ દેહાણ જગ્યાઓની વંદના થઇ છે. ૨૦૧૯નો નવમો એવોર્ડ આ વખતે ચલાળા દાનબાપુની જગ્યાને અર્પણ કરીને આ સ્થાનની વંદના પૂજય બાપુ દ્વારા કરવામાં આવશે. જેમાં સૂત્રમાલા, શાલ, સ્મૃતિચિન્હ અને રૂ. ૧,૨૫૦૦૦ની ધનરાશિ જગ્યાના ગાદીપતિ પૂજય વલકુબાપુને અર્પણ થશે.

આમ, પાટોત્સવની પૂર્ણાહુતિ, સમુહ લગ્ન અને એવોર્ડ અર્પણ ના આ ત્રિવિધ કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો, સેંજળના ગ્રામજનો અને અન્ય ભાવકો ઉપસ્થિત રહેશે.કાર્યક્રમનું સમાપન પૂજય બાપુના આશિર્વાદક પ્રવચનથી થશે.(૨૧.૧૧)

(12:36 pm IST)