Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

જેન્તી ભાનુશાલીની હત્યા પહેલા અમદાવાદમાં કરવાનો પ્લાન હતોઃ છબીલ પટેલે ૩૦ લાખમાં સોપારી આપ્યાની શાર્પ શૂટરોની કબૂલાત

૫ લાખ ચૂકવી દીધા, પૂનામાં હત્યારાઓ સાથે બેઠક કર્યા બાદ અમદાવાદ અને ભુજમાં છબીલ પટેલે શાર્પ શૂટરો સાથે બેસી હત્યાનું ષડ્યંત્ર રચ્યું હોવાનો પોલીસનો ધડાકોઃ આજે બન્ને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે

ભુજ, તા.૧૮:  જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સીઆઇડી ક્રાઇમે ધડાકો કરીને હત્યાના કાવતરાની સિલસીલાબંધ વિગતો આપીને આ હત્યામાં ભાજપ ના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ભૂમિકા સ્પષ્ટ કરી છે. સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયાએ મીડિયાને આપેલી માહીતી પ્રમાણે બન્ને શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખ ની સાપુતારા થી ધરપકડ કરાયા બાદ તેમની પૂછપરછમાં છબીલ પટેલે રૂ.૩૦ લાખમાં જેન્તી ભાનુશાલીની હત્યાની તેમને સોપારી આપી હોવાનું અને તે પૈકી ૫ લાખ રૂા તેમને ચુકવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

ંપહેલા અમદાવાદમાં હતું હત્યાનું પ્લાનિંગ, જાણો કેવી રીતે ઘડાયું હત્યાનું કાવતરું

છબીલ પટેલ પોતાના પુના સ્થિત મિત્રો મારફતે શશીકાંત કામ્બલે અને અશરફ શેખને મળ્યા હતા. શશીકાંત અને અશરફ બન્ને ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ બન્ને શાર્પ શૂટરોની ૩૦ લાખ રૂ.માં જેન્તી ભાનુશાલીની હત્યાની સોપારી આપી છબીલે તેમને ૫ લાખ રૂ.આપી દીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અન્ય ચોંકાવનારી માહિતી અનુસાર શશીકાંત પુના થી છબીલ ને મળવા અમદાવાદ આવ્યો હોવાનું અને તેની સાથે વારંવાર બેઠક કર્યા બાદ હત્યાને આખરી અંજામ આપવાનું નક્કી કરાયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પહેલા જેન્તી ભાનુશાલીની હત્યા નરોડા અમદાવાદ તેમના ઘર પાસે કરવાનું પ્લાનિંગ કરાયું હતું પણ નરોડા ગીચ વિસ્તાર હોઈ પકડાઈ જવાની બીકે હત્યા માટે અન્ય પ્લાનિંગ વિચારાયું હતું. એટલે ભુજ તરફ ધ્યાન કેન્દ્રિત કરી જેન્તીભાઈ કચ્છ આવે ત્યારે તેમની હત્યા કરવી એવા આયોજન સાથે શાર્પ શૂટર શશીકાંત કામ્બલેને છબીલ પટેલ ભુજના રેલડી ગામે પોતાના નારાયણ ફાર્મ ઉપર લઈ આવ્યા હતા. કચ્છ અને અમદાવાદ વચ્ચે જેન્તીભાઈ હમેંશા ટ્રેનની મુસાફરી કરતા હોઈ ટ્રેનમાં જ જેન્તીભાઈની હત્યાનું પ્લાનિંગ કરીને ટ્રેનના પ્રવાસ દરમ્યાન હત્યા કેવી રીતે કરવી તેમ જ હત્યા બાદ ભાગવા સહિતની રેકી સાથે હત્યાની આ ઘટનાને અંજામ અપાયો હતો. પોલીસની માહિતી અનુસાર બન્ને શાર્પ શૂટરો શશીકાંત તેમ જ અશરફ ૭ મી જાન્યુઆરીના સયાજીનગરી ટ્રેન માં બેસી ગયા હતા અને જેન્તી ભાનુશાલીના એચ વન કોચમાં પહોંચ્યા તે પહેલાં કોચના બાથરૂમ માં રિવોલ્વર લોડ કરીને તેમણે કેબીનનું બારણું ખટખટાવ્યુ હતું. જેન્તીભાઈ એ જાતે જ જેવું બારણું ખોલ્યું તેની સાથે અશરફે ગોળી છોડતા જેન્તીભાઈની છાતી વીંધાઇ ગઈ હતી અને તે લોહી નિંગળતી હાલતમાં નીચે પડી જતા શશીકાંત અને બન્નેએ બીજી ગોળીઓ ચલાવી તેમની નિર્મમ હત્યા નિપજાવી હતી. ત્યારબાદ અગાઉ થી કરેલી રેકી પ્રમાણે ટ્રેન ની ચેનનું પુલીંગ કરી કટારીયા ગામ પાસે ઉતરીને ત્યાં જે નંબર વગરની બાઇક રાખી હતી તેના ઉપર સવાર થઈ ગૂગલ મેપની મદદ થી પાલનપુર થઈ આબુ અને પછી પૂના પહોંચ્યા હતા. ત્યારબાદ નાસતા ફરતા વૈષ્ણવદેવી, કટરા, ભૂંસાવળ અને કુંભ મેળા માં અલ્હાબાદ થઈ ડાંગ સાપુતારા આવી તોરણ રિસોર્ટમાં રોકાયા હતા. પોલીસે તોરણ રિસોર્ટને ઘેરાબંધી કરી બંને શાર્પ શૂટરોને ઝડપી પાડ્યા હતા. સીઆઇડી ક્રાઈમ આજે બન્ને હત્યારાઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરશે.આ હત્યા કેસમાં મનીષા, સુરજીત સહિતના અન્ય આરોપીઓની કડી મેળવવાનું તેમ જ તેમને પકડવાનું હજી બાકી છે. તો, ફોન ઉપર પોતે વિદેશ હોવાની ઓડિયો કલીપ વાયરલ કરનાર છબીલ પટેલ હજી ભાગેડુ છે.(૨૩.૭)

(12:31 pm IST)