Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શાર્પ શુટરો દ્વારા ગજબનાક વેષપલ્ટાઃ મુંડન કરાવી મુછો પણ મુંડાવેલ

૩પ દિવસથી ઘેર પણ ગયા ન હતાઃ ૧૩ થી ૧૭ સુધી કડકડતી ઠંડીમાં સામાન્ય માણસનો સ્વાંગ સજી ડીવાયએસપી પિયુષ પીરોજીયા અને જે.પી.રાઓલ આરોપીઓ પર મટકુ માર્યા વગર વોચ ગોઠવી હતીઃ ભીતરની કથા : જયંતીભાઇ ભાનુશાળીની હત્યાના કાવત્રાની પ્રથમ મિટીંગ મુંબઇના મોલમાં મળી હતીઃ ૩-૩ વખત પ્લાન નિષ્ફળ નિવેડેલઃ સીઆઇડી વડા આશીષ ભાટીયા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧૮: સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનાર કચ્છ(અબડાસા)ના પુર્વ ધારાસભ્ય અને ભાજપના એક સમયના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાળીની  શાર્પ શુટરો દ્વારા ગોળી મારી હત્યા કરવાના મામલામાં ઝડપાયેલા બે શાર્પ શુટરો દ્વારા  કઇ રીતે હત્યાને અંજામ આપ્યો હતો. સમગ્ર કાવતરૂ કયા ઘડાયું હતું તે સહીતની પડદા પાછળની રસપ્રદ કથા જાણવા મળી છે.

રાજયના સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના ડીજીપી કક્ષાના વડા આશીષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં રસપ્રદ માહીતી આપતા જણાવેલ કે પુણેનો શશીકાંત કામલે  ત્રણ વખત ગુજરાત આવેલો ટ્રેનમાં હત્યા કરવાનું કાવતરૂ પણ બીજા રાઉન્ડમાં સફળ બનેલું હતું. પ્રથમ રાઉન્ડમાં ભાનુશાળીના સીટ નંબરની વિગત ન મળતા પ્લાન અટકયો હતો. મુંબઇના મોલમાં પુર્વ ધારાસભ્ય છબીલ પટેલે શાર્પ શુટરો સાથે ૩૦ લાખમાં સોદા અંગેની ગુપ્ત બેઠક કરી કુવિખ્યાત અનવર શેખને પ લાખ એડવાન્સ આપ્યા હતા.

ફરી મૂળ વાત પર આવીએ તો બન્ને શાર્પ શુટરો ગુજરાતમાં કોઇ કારણોસર આવ્યાની ચોકકસ માહીતી સીઆઇડી વડા આશીષ ભાટીયાને મળતા જ તેઓએ આવા કાર્ય માટે માહીર મનાતા સીટના અધિકારી  જે.પી.રાઓલ તથા મૂળ રાજકોટના વતની એવા પિયુષ પીરોજીયા ટીમને સાપુતારા મોકલ્યા હતા. આ ટીમ પણ પોતાની ઓળખ ન થઇ જાય તે રીતે વેષપલ્ટો કરી તપાસમાં લાગ્યા હતા. દરમિયાન પોલીસ ટીમને જાણવા મળેલ કે એક ગેસ્ટ હાઉસમાં કોઇ વેષ બદલી શંકાસ્પદ આરોપી છુપાયો છે. પિયુષ પીરોજીયાએ તુર્ત જ ગેસ્ટહાઉસના પોતાના બાતમીદારને વોટસએપ પર ફોટો મોકલ્યો અને ફોટાને અણસાર આધારે અશરફ શેખને ઓળખી કાઢયો. અશરફ નાસવા જાય તે પહેલા  જ તેને રાઉન્ડ અપ કરી કોર્ડન કરી લીધેલ.

આજ રીતે શશીકાંત દાદા કામલે ઉર્ફે બીટીયા દાદાએ પોતાની ઓળખ છુપાવવા માટે માથે મુંડન કરાવી મુછો કાઢી નાખી હતી. આમ છતા જે.પી.રાઓલ અને પિયુષ પીરોજીયા ટીમ તેને ઓળખવા માટે તેની બેગમાંથી તેનું ઓરીજનલ ઓળખ કાર્ડ કાઢી તેની ઓળખ કરી રાઉન્ડ અપ કરી અને છાતી પર રિવોલ્વર મુકી ચુપચાપ અમદાવાદ ઉપાડી ગયા હતા. ઉકત બંન્ને આરોપીઓએ છબીલભાઇના કહેવાથી કૃત્યને અંજામ આપ્યાનું કહેવાય છે. સીઆઇડી વડા આશીષ ભાટીયાના જણાવ્યા મુજબ છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલ હોવાના પુરાવા મળ્યા નથી.  આ ગુન્હામાં કોણે શું ભુમીકા ભજવી? અન્ય કોણ-કોણ સામેલ છે? તેના તમામ પુરાવા એકત્ર થઇ રહયા છે.

અત્રે યાદ રહે કે આમ તો આ ગુન્હાની તપાસમાં એટીએસ અને અમદાવાદ સીટી ક્રાઇમ પણ મદદમાં હતી. આમ છતા આરોપીઓને ઝડપવાની મહત્વની જવાબદારી પોતાના અનુભવ આધારે આશીષ ભાટીયાએ પિયુષ પીરોજીયાને વિશેષ રીતે સુપ્રત કરતા તેઓ ૩પ દિવસ થયા ઘરે ગયા ન હતા. ૧૩ ફેબ્રુઆરીથી સાપુતારામાં ડીવાયએસપી જે.પી.રાઓલ સાથે સતત વેષપલ્ટો કરી ઠંડીમાં પણ આરોપી પર સતત વોચ રાખી રહયા હતા. (૪.૨)

 

(12:31 pm IST)