Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કોડીનાર રોષપૂર્ણ બંધઃ શહિદ વિર જવાનોને ભાજપ-કોંગ્રેસે એકમંચ ઉપર આવીને શ્રધ્ધાંજલી અર્પણ

આતંકવાદને જડમુળમાંથી ઉખેડી ફેંકવા મુસ્લિમ સમાજની માંગણી

કોડીનાર તા. ૧૮ :.. કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અપીલ બાદ વેપારીઓએ પોતાના વેપાર રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો હતો. બંધ દરમિયાન સાંજે ૬ કલાકે શિવાજી ચોકમાં શહેરના તમામ વેપારીઓ, હિન્દુ - મુસ્લિમ નગજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ શોકસભા કરી, મશાલ રેલી સ્વરૂપે શહેરના મુખ્ય વિસ્તારો નાગલદેવી ચોક, ગોંદરા ચોક, કોળી ચોરા ચોક, એકતા ચોક, ઉના ઝાપા, અજંતા ટોકીઝ રોડ સહિતના વિસ્તારોમાં ફરી મશાલ રેલી શિવાજી ચોકમાં પરત આવી પુલવામા ના શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી આતંકીઓને ઘાયલ જવાનોની વહેલા સાજા થવાની દુવા પ્રાર્થના કરવામાં આવી હતી. રેલીમાં શહીદ જવાનો અમર રહો અને આતંકવાદ નાબુદ કરોના સુત્રોચ્ચારો કર્યા હતાં. તેમજ રેલીના અંતે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર દ્વારા શોક ઠરાવ સંદેશો પાઠવી શોક પ્રગટ કરી આ હીંચકારી આતંકી હૂમલાને સખ્ત શબ્દોમાં વખોડી આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને દાખલારૂપી સખ્ત સજા ફટકારવા માંગણી કરી હતી. ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી રેલીમાં ભાજપ - કોંગ્રેસના રાજકીય આગેવાનો એક મંચ ઉપર આવી દેશની દુઃખની ઘડીમાં સાથે રહ્યા હતાં.

આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય મોહનભાઇ વાળા, પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ બારડ, નગરપાલિકા પ્રમુખ હાજી રફીકભાઇ જુણેજા, ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જીશાનભાઇ નકવી, નગરપાલિકાના સભ્યો, સહકારી આગેવાનો વગેરે અગ્રણી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો દેશપ્રેમ સાથે જોડાયા હતા તેમજ  શહેરની દિવ્યાંગ બાળકોની સંસ્થા જિવનદીપ હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનર ખાતે સંસ્થાના દિવ્યાંગ બાળકો, વાલીઓ, કર્મચારીઓ અને સંચાલક મંડળના સભ્યોએ કેન્ડલ માર્ચ યોજી મૌન પાળી ભાવભીની શ્રધ્ધાંજલી આપી તેમના પરિવારો પ્રત્યે સહાનુભુતી વ્યકત કરી હતી.

કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સૈયદ ભીખુબાપુ કાદરી, અને શિઆ ઇસના અસરી મુસ્લિમ સમાજના પ્રમુખ અબાજાન નકવીએ આતંકીઓને જડમુળમાંથી ઉખેડી  ફેંકવા કડક કાર્યવાહી કરવા માંગ કરી, આ સમયે હિન્દુ-મુસ્લિમ સમાજે એક થઇ આ મુસ્કેલ સમયનો સામનો કરવા જણાવી શહીદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. (પ-રર)

(12:21 pm IST)