Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સાયલા પાસે સાયકલ સવારનું ટ્રક હડફેટે મોત

વઢવાણ, તા.૧૮:- સાયલાના શ્રમજીવી મુકેશભાઇ દેવજીભાઇ મકવાણા સાયકલ લઇને હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા.તે દરમિયાન પુરઝડપે અમદાવાદ તરફ જતા ટ્રક ચાલક સોયબભાઇ વલીભાઇ સરસીયાએ સ્ટેયરીંગ કાબુ ગુમાવતા સાયકલની પાછળ ઠોકર લાગી હતી.

આ ટકકરના કારણે મુકેશભાઇ રસ્તા વચ્ચે ફંગોળાઇ જતા શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માતની જાણ થતા આસપાસમાંથી યુવાનો દોડી આવી ૧૦૮ની જાણ કરી હતી. ૧૦૮માં ઇજાગ્રસ્ત યુવાનને સાયલા દવાખાને લઇ જવાયો હતો. પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા જવાના કારણે વધુ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતુ.(૨૨.૮)

(12:18 pm IST)