Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં શહિદોના માનમાં ભુજ-માંગરોળ બંધ

આતંકવાદીઓ સામે આક્રોશઃ પાકિસ્તા મુર્દાબાદના નારાઃ મૌન રેલી, કેન્ડલ માર્ચ

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલામાં શહિદ થયેલા વિર જવાનોને શોકાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને ગામો બંધ રાખીને આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે. આજે જૂનાગઢ જિલ્લાનું માંગરોળ અડધો દિવસ બંધ રહ્યું છે. જ્યારે ભુજ પણ બંધ રહ્યું છે.

માંગરોળ

માંગરોળમાં કાશ્મીરના આતંકી હુમલાના વિરોધ અને શહીદોના માનમાં આજે સોમવારે સજ્જડ બંધ પાળવાનું એલાન કરાયું હતું. આ તકે સવારે ૧૧ વાગ્યે ટાવર ગ્રાઉન્ડથી તમામ શાળા - કોલેજો, વેપારીઓ, સામાજિક આગેવાનો અને નગરજનો વિરાટ રેલી કાઢીને પાકિસ્તાનની નાપાક હરકત વિરૂધ્ધ આવેદનપત્ર પાઠવાયું હતું.

ભુજ

પુલાવામાં થયેલ આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા. જેના સમગ્રઙ્ગ દેશ સહિત સરહદી કચ્છમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહીદ સૈનિકોના પરિવાર માટે આર્થિક મદદની પહેલ કરાઈ છે. તો, તાલુકા મથકો અને ગ્રામીણ તેમ જ શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર શહીદ જવાનોને અંજલી અપાઈ છે.

ભુજ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ વતી પ્રમુખ અનિલ ગોરે આતંકવાદી પ્રવૃત્તિઓ પ્રત્યે વિરોધ દર્શાવવા માટે સમગ્ર ભુજના વ્યાપારીઓને કરેલી અપીલને પગલે આજે સોમવારે દરેક નાના મોટા ધંધાર્થીઓએ પોતાના વ્યવસાય બંધ રાખ્યા છે. ભુજ ચેમ્બરની બંધ ની અપીલને ટેકો આપીને અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ વતી પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાના જણાવ્યા પ્રમાણે ભુજના મુસ્લિમ વિસ્તારોના નાના મોટા સૌ વ્યાપારીઓ, ચા તેમ જ પાનબીડીના ધંધાર્થીઓને તેમ જ રીક્ષા એસોસિએશન ને પણ બંધ પાળ્યો છે.

 

(11:59 am IST)