Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જામનગરમાં બીજા દિવસે ભાજપે બદલો લીધોઃ કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા નીતા પરમાર ભાજપમાં જોડાયા

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા બાદ રાજકારણ ગરમાયુ

જામનગરઃ જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા નીતાબેન પરમાર ભાજપમાં જોડાયા હતા. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ વિમલ કગથરા અને પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૨-૧૯)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ :. જામનગરના ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે અને વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા નીતાબેન પરમાર ભાજપમાં જોડાતા ભાજપે બીજા દિવસે બદલો લીધો છે. જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા મુખ્‍ય હરિફ પક્ષો દ્વારા ખેંચાખેંચીનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે વોર્ડ નં. ૬ના પૂર્વ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ ભાજપા સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ પહેલી લીધા બાદ આજે વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર નિતાબેન પરમારને ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા અને વોર્ડ નં. ૧૬ની ભાજપાની ટીમની ઉપસ્‍થિતિમાં નિતાબેન પરમાર ભાજપામાં જોડાયા હોવાની પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આમ ચૂંટણી નજીક આવતા વોર્ડોમાં સીટો અંકે કરવાની હરિફાઈ બન્ને મુખ્‍ય હરિફ પક્ષોમાં ખેંચાખેંચીના રાજકારણ સાથે શરૂ થઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા તેઓને ૬ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

(1:42 pm IST)