Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોરબી : રામ મંદિર નિર્માણની માહિતી જન-જન સુધી પહોંચાડવા રામ રથનું પ્રસ્થાન

એક મહિના સુધી આ રથ મોરબી જિલ્લામાં ફરીને લોકોને માહિતી અપાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૮: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યમાં દરેક લોકોમાં પોતાની યથાશકિત મુજબ દાન કરીને પોતાનું મંદિર એવી આત્મીયતા બંધાઈ શકે તે માટે મોરબીમાં તાજેતરમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ૧૫ જન્યુઆરીથી ફ્રેબ્રુઆરી સુધી ચાલવાનો છે. રામ જન્મભૂમિ નિધિ સમર્પણ હેઠળ આજે રામ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના દરેક લોકોને રામ જન્મભૂમિ અંગેની માહિતી પહોંચાડવા માટે આજે રામરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જેમાં આર. એસ.એસ.ના અગ્રણી ડો.જયંતીભાઈ ભાડેશીયા, સંઘના વિપુલભાઈ અઘારા, યુવા અગ્રણી અજયભાઈ લોરિયા, અલ્પેશ ગાંધી સહિતના મહાનુભાવોના હસ્તે રામ રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રામ રથ પ્રથમ ત્રણ દિવસ સુધી મોરબી શહેરમાં ફરશે.

જેમાં આ રામ રથના માધ્યમથી દાન એકત્ર કરવા નહિ પણ માત્ર રામ જન્મભૂમિ મંદિર નિર્માણ વિશે લોકોને સચોટ માહિતી આપવામાં આવશે. મોરબી શહેરમાં ત્રણ દિવસ ફર્યા બાદ મોરબી તાલુકામાં આ રથ ફરશે અને મોરબી તાલુકામાં વાઘપર ગામથી શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં એક મહિના સુધી આ રામ રથ ફરીને લોકોને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ વિશે માહિતીનું પ્રદાન કરવામાં આવશે.

(1:40 pm IST)