Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સાવરકુંડલા તાલુકાનાં ૭ ગામોમાં કિસાન સુર્યોદય યોજના થકી દિવસે વિજળી મળશે

એપીએમસીના ચેરમેન દિપકભાઇ માલાણીના હસ્‍તે યોજનાનો પ્રારંભ

(ઇકબાલ ગોરી  - દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૮ : રાજય સરકારનાં ઉર્જા અને પેટ્રોકેમિલ્‍કસ વિભાગ દ્વારા રાજયના ખેડુતોને દિવસના સમયે ખેતીવાડી માટે વિજળી મળી રહે  તે હેતુથી કિસાન સુર્યોદય યોજનાં અમલમાં મુકવામાં આવી છે. જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકામાં સાત ગામોથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ માટેનો એક કાર્યક્રમ તા.૧૭-૧ને રવિવારના રોજ નવા માર્કેટયાર્ડ ખાતે યોજાઇ ગયો. જયાં માર્કેટયાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણીનો હસ્‍તે કિસાન સુર્યોદય યોજનાનો શુભ પ્રારંભ કરવામાં આવેલ. આ યોજનાથી સાવરકુંડલા તાલુકાનાં સાત ગામોને દિવસનાં સમયે વિજળી મળવાનો લાભ મળશે. જેથી ખેડુતોને શિયાળા - ચોમાસાની સીઝનમાં કુદરતી વિપરીત પરિસ્‍થિતિ તેમજ વન્‍ય પ્રાણીઓ અને જીવજંતુઓથી ભયમુકત થશ.ે.

દિપકભાઇ માલાણીએ જણાવ્‍યું હતું કે પ્રથમ તો આ યોજનાનું નામ કિસાન સુર્યોદય યોજના છે. જે ખરેખર કિસાનો માટે સુર્યોદય કરનારી યોજના છે.  આ યોજનાનું નામ નકકી કરનાર ખુબ ખુબ ધન્‍યવાદ ને પાત્ર છે. ખડિુતો માટે આજનો દિવસ લાપસીના આંધણ મુકવા જેવો છે. કેમ કે વર્ષોથી આપ સૌ ખેડુત ભાઇઓની માંગ અને અરમાન હતા અને રાજય સરકાર સમક્ષ એક માંગ હતી કે અમને ખેતી પિયત માટે દિવસે વિજ પુરવઠો મળે. જે માંગ અને અરમાન આજે રાજય સરકારશ્રીએ આ યોજના અમલમાં મુકીને પુર્ણ કરવા તરફનું પ્રયાણ છે. જેનાથી આપણને સૌને તો ખુશી અને સંતોષ થશે જ. પણ દિવસે પાવર મળવો જોઇએ તેવી માંગણી અને અપેક્ષાઓ રાખનારા અનેક દિવંગત ખેડુતો પણ આજે જે કોટીમાં હશે. ત્‍યાંથી તૃપ્‍તી અનુભવશે. તેવી લાગણી વ્‍યકત કરેલ હતી. વિશેષમાં ખાસ ભારપુર્વક જણાવેલ કે રાજય સરકારે તો તેનું વચન અને કામ કર્યુ હવે આનો વધુમાં વધુ પ્રચાર થાય તે માટેના પ્રચારક બનીને કહેજો આજે ૭ ગામ અને આવતા સમયમાં દરેક ગામ અને દરેક ખેતરનો સમાવેશ આ યોજનામાં થશે અને ખેડુતોને રાત્રે પાણી વાળવાનો દિવસો ભુતકાળ બની જશે.

આ તકે માર્કેટયાર્ડનાં ઉપપ્રમુખ અને પીઢ સહકારી આગેવાન મનજીભાઇ તળાવીયા યાર્ડનાં પુર્વ પ્રમુખ અરવિંદ માંગુકીયા - પુર્વ ધારાસભ્‍ય વિરાણી સાથે જીલ્લા ભાજપ - તાલુકા ભાજપના હોદેદારો ગ્રામ્‍ય કક્ષાએથી સરપંચશ્રીઓ તથા ખેડુતો હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પીજીવીસીએલનાં જીલ્લા તથા સાવરકુંડલા શહેર અને તાલુકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્‍યુ હતુ. ક્રમશરૂ આ યોજનાં નીચે તાલુકાનાં તમામ ગામડાઓને આવરી લેવામાં આવશે. વર્તમાન પરિસ્‍થિતિ મુજબ સમગ્ર કાર્યક્રમ સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ અને માસ્‍ક તેમજ સેનીટાઇઝરના નીયમનો ચુસ્‍ત અમલ કરવામાં આવ્‍યો હતો.

(1:39 pm IST)