Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

લોધિકાના લોકસેવકને ચોથી પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલી

રોશન તેનું નામ રોશન કરી ગયો

લોધીકા, તા. ૧૮ :. સ્વ. રોશનભાઈ થોભાણીની ચોથી પૂણ્યતિથિ આજે છે. તેમને શ્રધ્ધાંજલી અર્પીત કરતા ચાંદલીના પ્રિન્સીપાલ હસમુખભાઈ ગોહેલ એક યાદીમાં જણાવે છે કે, સને ૧૯૯૩થી ૨૦૧૩ સુધીની સફર યાત્રામાં ૨૦ વર્ષ સુધી તેની સાથે રહી જીવનના ઘણા પ્રસંગો જોયા છે. મને 'માસ્તર'નું બીરૂદ આપનાર રોશનભાઈ જ્યારે કોઈ ટેકો આપનાર ન હતા ત્યારે રોશનભાઈની મદદથી આગળ આવ્યો તથા તેમનુ મિત્ર વર્તુળ સદાય મદદ માટે તત્પર હતુ, બસ તેને 'ગોડ ફાધર' બીરૂદ આપવામાં જરાય ખચકાયો નથી.

તેમના જીવનની 'બુલેટ' શ્રી માંડી 'બોલેરો' સુધીની સફરયાત્રામાં સાથે રહી તેની જિંદગીમાં સુખદ અને દુઃખદ પ્રસંગ જોયા છે. 'અશકય' શબ્દ તેના શબ્દકોશમા ન હતો. તેના જીવનમાં ઘણા એવા કામો કર્યા કે હજુ પણ વિચારૂ છું કે આ શકય જ નથી.

સને ૧૯૮૭-૮૮ દુષ્કાળમાં કેટલ કેમ્પની તેમની કામગીરી ખૂબ જ પ્રસંશનીય હતી. ત્યાર બાદ ગરીબ કન્યાઓને કન્યાદાન, ગરીબ દર્દીને દવાથી માંડી ઓપરેશન સુવિધાના ખર્ચ, ટીફીન સેવા, અનાજ સહાય, ધાબળા વિતરણ આ દરેક કામગીરીમા લોધીકામા અવ્વલ રહેતા તેમનું જીવન સૂત્ર હતું...

'ઢળી જઈએ, બળી જઈએ, એ પહેલા ઝળહળી જઈએ...' ખરેખર આ લાઈન સાર્થક કરી બતાવી.

ચાંદલી ગામના વતની રમેશભાઈ ગૌસ્વામી તેના પુત્રના ઓપરેશન માટે ફાળો કરતા હતા. રોશનભાઈને વાત કરતા, ચૌદ હજાર રૂપિયા ઓપરેશન તથા બે હજાર રૂપિયા દવાના આપી દીધા અને ફાળો નહી કરવા કહ્યું. જ્યારે રોશનભાઈના અવસાન સમાચાર છાપામાં વાંચીને રમેશભાઈ બાવાજી રીતસર ધ્રુસકે ધ્રુસકે રડી પડયાં.

આજે પણ ઘણા મીત્રો-સંબંધીઓના ફોન આવે છે કે પેલું કામ કરી દેજો. બીજી ક્ષણે યાદ આવે છે રોશનભાઇ અમારી વચ્ચે નથી. બસ સામેવાળા વ્યકિતને કહેવું પડે છે માફ કરજો હજુ પણ માન્યમાં નથી આવતુ કે રોશનભાઇ અમારી વચ્ચે નથી. પરંતુ તેની યાદ દીલોમાં કાયમી જીવંત રહેશે તેમ વધુમાં યાદીમાં રફીક થોભાણીએ જણાવેલ છે.

(12:11 pm IST)