Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ધર્મ બંધન નહિ, મંથન છે, ધર્મ મારે નહિ પણ તારી દયે : મોરારિબાપુ

પાલીતાણા પંથકમાં મનસુખ માંડવિયા આયોજીત પદયાત્રા પ્રસંગે ઉદ્બોધન : આજે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ યાત્રામાં

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા આયોજીત પદયાત્રાની ગઇકાલની બીજા દિવસની તસ્વીરી ઝલક. મહાવ્રત સભાને જાણીતા કથાકાર શ્રી મોરારિબાપુએ સંબોધી શુભકામના પાઠવી હતી. (૮.૭)

રાજકોટ, તા. ૧૮ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા આયોજીત 'ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા'નો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલે પદયાત્રાના બીજા દિવસે 'સર્વધર્મ સમભાવ' મહાવ્રત શ્રી મોરારિબાપુએ સંબોધન કર્યું હતું.

ગઇકાલે સવારે ૭ વાગ્યે પાલીતાણા પાસેના બેલા સંસ્થાથી બીજા દિવસની પદયાત્રાનો પ્રારંભ થયો. ગાંધી મૂલ્યોના માર્ગે ચાલનારી આ પદયાત્રા સૌરાષ્ટ્રની ધરતી પર ગાંધી વિચારોને વાગોળતી બુનિયાદી આદર્શોના ભેખધારીઓ સમઢિયાળા ગામે પહોંચ્યા ત્યારે ગામની દીકરીઓએ વિશાળ સંખ્યામાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા અને પદયાત્રીઓનું હર્ષોલ્લાસ સાથે સામૈયું કર્યું. લગભગ એક કિલોમીટર સુધીના માર્ગ પર સમઢિયાળા ગામના લોકોએ સાતરંગની રંગોળી કરી અને ભાવવિભોર થઇ પદયાત્રીઓનું સ્વાગત કર્યું. સમઢિયાળા ગ્રામસભાને સંભોધીને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ ગ્રામજનોનો આભાર માન્યો હતો.

દિહોર ગામે જયારે પદયાત્રા પહોંચી ત્યારે મુસ્લિમ ભાઇઓએ ગાંધીકૂચ કરતા આ સર્વે ગાંધી પ્રેમી પદયાત્રીઓ અને મનસુખભાઇનું ભાવભર્યું સ્વાગત કર્યું.  દિહોર ગામ ખાતેની મહાવ્રત સભાનો વિષય 'સર્વધર્મ સમભાવ' જાણે અહીં ગામના પાદરમાં જ પૂર્ણરૂપે ચરિતાર્થ થયો. શ્રી મોરારિબાપુએ ત્રીજી મહાવ્રત સભાને સંભોધનમાં જણાવ્યું કે, 'સર્વધર્મ કોઇને કટ્ટરતા નથી શીખવાડતો કે નથી કોઇને બંધનમાં બાંધતો એતો મનુષ્યમાત્શ્રને મુકત થતા શીખવાડે છે. ધર્મ બંધન નહીં મંથન છે ! ધર્મ મારે નહીં ધર્મ તારે ! ભગવાન શ્રીરામે પણ પદયાત્રા કરી હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ પદયાત્રા કરી હતી. આ મહાવ્રત માત્ર વાંચન પૂરતું નહીં તમારા આચરણમાં પણ મૂકાવવું જોઇએ.'

મોરારિબાપુએ બુનિયાદી શિક્ષણ હિતાર્થે જે પદયાત્રાનું આયોજન થયું છે એ અંગે રાજીપો વ્યકત કર્યો. આ મહાવ્રત સભામાં દિહોર ગામના રર જેટલા એવા ગ્રામજનોનું સન્માન કરવામાં આવ્યું કે જેમને ગ્રામજીવનમાં ગહન યોગદાન આપેલું હોય. દિહોર ખાતે યોજાયેલ મહાવ્રત સભામાં કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહજી બાંભોર, સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ અને શ્રી ભારતીબેન શિયાળ જોડાયા હતાં.

માયધાર ખાતે રાત્રી રોકાણ કરી રહેલી આ પદયાત્રામાં રાઘવજીભાઇ ડાભી ગાંધીજીના મહાવ્રત 'સ્વદેશી' વિશે વાત કરી હતી.

આજથી પદયાત્રામાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલના પ્રોડયુસર શ્રી અસિતભાઇ મોદી તેમની ટીમ સાથે જોડાશે અને રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શેત્રુંજી ડેમ ખાતે ગીતાબેન રબારી (પ્રસિદ્ધ ડાયરો કલાકાર), પાલીતાણા નગર ખાતે ગુજરાતમાં સૌપ્રથમ વખત રજૂ થઇ રહેલી માનવ કદની 'કઠપુતળી'નો કાર્યક્રમ, વાળુકડ ખાતે સંસ્કારભરતી કલા સંસ્થા દ્વારા કાર્યક્રમ, ભાદાવાવ-આદપુર અને ઘેટી ખાતે ભવાઇ એમ કુલ મળીને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયેલ છે. (૮.૮)

 

(11:36 am IST)